ફેક કોલ અને મેસેજના વધતા કેસોમાં TRAI દ્વારા એક નવી પોલિસી લાગું કરવામાં આવી છે તેમાં આવા કોલ અને SMS ને નેટવર્ક સ્તર પર જ બ્લોક કરી દેવામાં આવશે. અનેક મોટી ટેલીકોમ કંપનીઓ હાલમાં AI નો સહારો લઈને આવા કોલ્સ અને SMS ને રોકી રહી છે. એરટેલના હાલના આંકડાઓ પરથી જાણવા મળ્યું છે કે, ડર મહિનામાં લાખો ફેક કોલ્સને બ્લોક કરવામાં આવે છે.
સાયબર અપરાધીઓ બન્યા બેફામ
સાયબર અપરાધીઓ હવે VoIP (વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ) કોલ્સનો ઉપયોગ કરી રહ્યા છે જે તેમની ઓળખ અને સ્થાનને ટ્રેક કરવાનું મુશ્કેલ બનાવે છે. થાઈલેન્ડ ટેલિકમ્યુનિકેશન સંસ્થા NBTC અનુસાર, VoIP કોલ્સ ઘણીવાર +697 અથવા +698 થી શરૂ થાય છે. આ કોલ્સને ટ્રેક કરવા અત્યંત મુશ્કેલ છે અને સાયબર અપરાધીઓ તેનો ઉપયોગ એટલા માટે જ કરે છે. તેઓ VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક) નો પણ ઉપયોગ કરે છે.
છેતરપિંડીના કેસોમાં વધારો
જો તમને +697 અથવા +698 થી શરૂ થતો કોઈ આંતરરાષ્ટ્રીય નંબરનો કોલ આવે તો તેને અવગણવો વધુ સારું છે. આ કોલ્સ મોટાભાગે ઓનલાઈન છેતરપિંડી અથવા પ્રમોશનલ સ્કેમ માટે હોય છે. આવા નંબરને તમે સીધા જ બ્લોક કરી શકો છો. જો તમે ભૂલથી કોલ રિસિવ કરી પણ લો, તો ક્યારેય તમારી વ્યક્તિગત માહિતી શેર ન કરો. તેઓ સરકારી અધિકરી, બેંક કર્મચારી અથવા અન્ય કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાનો ઢોંગ કરી શકે છે. આવી સ્થિતિમાં, તેમને કહો કે તમે પોતે કોલ કરશો.
સરકારે આપી ચેતવણી
મહત્વનું છે કે, જો તેઓ કોઈ માન્ય નંબર આપવાનો ઇનકાર કરે, તો સમજી લો કે આ એક સ્કેમ છે. સરકારે નકલી કોલ્સ અને મેસેજની ફરિયાદ માટે 'ચક્ષુ' પોર્ટલ લોન્ચ કર્યું છે. જે સંચાર સાથી વેબસાઈટ પર ઉપલબ્ધ છે. એક મોબાઈલ એપ પણ છે જેના દ્વારા તમે આવા છેતરપિંડીવાળા કોલ્સ અને મેસેજની જાણ કરી શકો છો.