આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયો છે. બેંકિંગથી લઈને ઓફિસના કામ અને મનોરંજન સુધીના તમામ કાર્યો આપણે તેના દ્વારા જ કરીએ છીએ. આટલી વ્યસ્તતા વચ્ચે આપણે ઘણીવાર ફોનને મહિનાઓ સુધી સ્વિચ ઓફ કે રીસ્ટાર્ટ કરવાનું યાદ રાખતા નથી. પરંતુ શું તમે જાણો છો કે સતત એક વર્ષ સુધી ફોન રીસ્ટાર્ટ ન કરવાથી તમારા ફોન પર તેની શું અસર થાય છે?
ફોન ધીમો પડી જવો અને મેમરી પર દબાણ
આજના સ્માર્ટફોન શક્તિશાળી હોવા છતાં, તેમને સતત ચાલુ રાખવા માટે બનાવવામાં આવ્યા નથી. જ્યારે તમે લાંબા સમય સુધી ફોન રીસ્ટાર્ટ નથી કરતા, ત્યારે પૃષ્ઠભૂમિમાં અસંખ્ય એપ્લિકેશનો સક્રિય રહે છે અને ઘણી બિનજરૂરી ફાઇલો એકઠી થાય છે. આનાથી ડિવાઇસની મેમરી (RAM) પર ભારે દબાણ આવે છે, પરિણામે તમારો ફોન પહેલા કરતા ધીમો પડી જાય છે અને એપ્સ ખૂલવામાં ઘણો સમય લે છે.
એપ ક્રેશ થવી અને બેટરીની સમસ્યા
સતત ચાલતા ફોનમાં સોફ્ટવેર-સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે. ઘણી એપ્સ અસ્થિર બની જાય છે, જે અચાનક બંધ થઈ જાય છે અથવા હેંગ થઈ જાય છે. આ ઉપરાંત, બેકગ્રાઉન્ડમાં ચાલતી વધારાની પ્રક્રિયાઓને કારણે બેટરી પણ ઝડપથી ખતમ થવા લાગે છે. ઘણીવાર આપણને લાગે છે કે બેટરી બગડી ગઈ છે, પરંતુ વાસ્તવમાં તે માત્ર સિસ્ટમને રિફ્રેશ કરવાની જરૂરિયાત હોય છે.
સુરક્ષા અને સોફ્ટવેર ગ્લિચ
ફોનને રીસ્ટાર્ટ કરવાથી ઓપરેટિંગ સિસ્ટમ ફરીથી લોડ થાય છે, જે નાની-નાની સોફ્ટવેર ભૂલોને આપમેળે સુધારી દે છે. સાયબર સુરક્ષા નિષ્ણાતોનું પણ માનવું છે કે, નિયમિત રીસ્ટાર્ટ કરવાથી રેમ (RAM) માં રહેલા મેમરી-આધારિત માલવેર અને અન્ય હુમલાઓ અટકી શકે છે. આ માત્ર ફોનનું પ્રદર્શન જ સુધારતું નથી, પરંતુ તેને સુરક્ષિત પણ રાખે છે.
આ પણ વાંચોઃ Apple ના શોખીનોને ઝટકો, હવે iPhone ખરીદવો પડશે મોંઘો!