WhatsApp ટૂંક સમયમાં યુઝર્સને થર્ડ-પાર્ટી AI એજન્ટ્સ અને બોટ્સને સીધા એપ સાથે જોડવાની સુવિધા આપી શકે છે. આ નવા ફીચરથી દરેક AI એજન્ટ માટે અલગ ચેટ ઉપલબ્ધ થઈ શકે છે. એટલે કે, યુઝર્સ WhatsApp છોડ્યા વગર AI સર્વિસ સાથે વાતચીત કરી શકશે. હાલમાં આ ફીચર મર્યાદિત Android બીટા યુઝર્સ માટે જોવા મળ્યું છે.
Settingsમાં જોવા મળશે નવો AI Agents વિભાગ
WhatsAppના ફીચર ટ્રેકર WABetaInfo અનુસાર, આ ફીચર WhatsApp Android બીટા વર્ઝન 2.26.35.3માં જોવા મળ્યું છે. રિપોર્ટ મુજબ, એપની Settingsમાં નવો Agents વિભાગ આપવામાં આવી શકે છે. અહીંથી યુઝર્સ પોતાની સાથે જોડાયેલી AI સર્વિસને એડ અને સેટ કરી શકશે. યુઝર્સ દરેક AI એજન્ટને પોતાની પસંદનું નામ અને પ્રોફાઇલ ફોટો પણ આપી શકશે. એક WhatsApp એકાઉન્ટ સાથે વધુમાં વધુ 5 AI એજન્ટ્સ જોડવાની સુવિધા મળી શકે છે.
API Key દ્વારા AI એજન્ટ જોડાશે
રિપોર્ટ મુજબ, AI એજન્ટને સેટ કર્યા પછી WhatsApp એક API Key બનાવી શકે છે. આ Keyને યુઝરે તે સર્વિસમાં નાખવાની રહેશે, જ્યાં AI એજન્ટ હોસ્ટ કરવામાં આવ્યો હોય. ત્યારબાદ AI એજન્ટને WhatsAppની ચેટ સાથે જોડવામાં આવી શકશે. અલગ-અલગ AI સર્વિસ માટે તેને જોડવાની પ્રક્રિયા અલગ હોઈ શકે છે. કનેક્શન રિસેટ કરવા માટે યુઝર્સ નવી API Key પણ બનાવી શકશે. જોકે, WhatsAppે હજુ સુધી આ ફીચર તમામ યુઝર્સ માટે ક્યારે લોન્ચ થશે તેની સત્તાવાર માહિતી આપી નથી.
AI સાથે અલગ ચેટમાં કરી શકાશે વાતચીત
AI એજન્ટને WhatsApp સાથે જોડ્યા બાદ તેની પોતાની અલગ ચેટ હશે. રિપોર્ટ મુજબ, AI એજન્ટને યુઝરની અન્ય ચેટ, કોન્ટેક્ટ્સ કે મીડિયા સુધી પહોંચ મળશે નહીં. આ ઉપરાંત AI એજન્ટને ગ્રુપ ચેટ અથવા કમ્યુનિટીમાં જોડવાની સુવિધા પણ આપવામાં નહીં આવે તેવી શક્યતા છે. યુઝર્સ Settingsમાંથી AI એજન્ટનું નામ અને પ્રોફાઇલ ફોટો બદલી શકશે અથવા તેને દૂર કરી શકશે. એજન્ટ દૂર કરવાથી તેનું કનેક્શન બંધ થઈ જશે, પરંતુ જૂની ચેટ હિસ્ટ્રી WhatsAppમાં રહેશે. ત્યારબાદ નવી API Key દ્વારા એજન્ટને ફરીથી કનેક્ટ કરી શકાશે.
આ પણ વાંચો: WhatsApp પર જૂના મેસેજ શોધવા માટે આ રીતે કરો Search by Date