વૈશ્વિક ટેકનોલોજી ક્ષેત્ર અત્યારે એક મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, પરંતુ આ પરિવર્તન હજારો કર્મચારીઓ માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ રહ્યું છે. વર્ષ 2026 ના પ્રથમ પાંચ મહિનામાં જ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ઓટોમેશનને કારણે વિશ્વભરની 106 કંપનીઓમાંથી 93,000 થી વધુ લોકોએ તેમની નોકરી ગુમાવી છે.

મોટી કંપનીઓ અને છટણીનો આંકડો

SaaS સેક્ટરની અગ્રણી કંપની ફ્રેશવર્ક્સ તેના 11% કર્મચારીઓ (અંદાજે 500 લોકો) ને છૂટા કરી રહી છે, કારણ કે તે હવે માનવ શક્તિને બદલે AI નો ઉપયોગ વધારી રહી છે. તેવી જ રીતે, ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કોઈનબેઝે માર્કેટની અસ્થિરતા અને કાર્યક્ષમતા વધારવા માટે 14% સ્ટાફમાં ઘટાડો કર્યો છે. સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની મેટા (Meta) પણ આ મહિને તેના કુલ કાર્યબળના 10% એટલે કે લગભગ 8,000 કર્મચારીઓની છટણી કરવાની તૈયારીમાં છે.

ભારતીય IT ક્ષેત્રની સ્થિતિ

ભારત જે IT હબ માનવામાં આવે છે, ત્યાં પણ સ્થિતિ ચિંતાજનક છે. ઈન્ફોસીસ, TCS, વિપ્રો અને ટેક મહિન્દ્રા જેવી ટોચની કંપનીઓએ નાણાકીય વર્ષ 2026 માં કુલ 6,981 કર્મચારીઓનો ઘટાડો નોંધાવ્યો છે. ઓરેકલ (Oracle) કંપનીએ એપ્રિલમાં વિશ્વભરમાં 30,000 નોકરીઓ કાપી છે, જેમાંથી આશરે 10,000 જેટલી મોટી સંખ્યા માત્ર ભારતમાં જ છે.

અનેક લોકોએ ગુમાવી નોકરી

છટણીની સૌથી વધુ અસર કન્ઝ્યુમર સેક્ટર (ગ્રાહક ક્ષેત્ર) માં જોવા મળી છે, જ્યાં એપિક ગેમ્સ, મેટા અને પિન્ટરેસ્ટ જેવી 23 કંપનીઓએ કુલ 14,705 નોકરીઓ દૂર કરી છે. ત્યારબાદ ફાયનાન્સ સેક્ટરમાં પણ 5,000 થી વધુ લોકોએ નોકરી ગુમાવી છે. સ્નેપચેટ જેવી કંપનીઓએ પણ તેમના 16% સ્ટાફમાં કાપ મૂકવાની યોજના બનાવી છે.

આ પણ વાંચોઃ Instagram વપરાશકર્તાઓ સાવધાન,તમારી ખાનગી ચેટ્સ હવે જોખમમાં!