વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને જાણીતા ઉદ્યોગસાહસિક એલોન મસ્કનું ચંદ્ર પર ૧૦ લાખથી વધુ લોકોની વસ્તી ધરાવતું એક ભવ્ય શહેર બનાવવાનું મહત્વાકાંક્ષી સ્વપ્ન મુશ્કેલીમાં મુકાયું હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં 'ફ્રન્ટીયર્સ ઇન સ્પેસ ટેકનોલોજી' જર્નલમાં પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસ અને સંશોધને વૈજ્ઞાનિક વર્તુળોમાં મોટી ચર્ચા જગાવી છે. આ સંશોધન મુજબ, ચંદ્ર પર ઉપલબ્ધ પાણીનો જથ્થો નાસાના નાના બેઝ સ્ટેશન માટે તો વર્ષો સુધી પૂરતો થઈ શકે છે, પરંતુ એલોન મસ્કના આ વિશાળ "સ્વ-વિકસિત" મહાનગરની પાણીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અપૂરતો સાબિત થશે.
પાણીની અછત અને રિસાયક્લિંગની જરૂરિયાત
અભ્યાસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતું આ મહાનગર તેની દૈનિક જરૂરિયાતો, કૃષિ કાર્યો, ઉદ્યોગો અને ડેટા સેન્ટરો માટે ચંદ્ર પર ઉપલબ્ધ હાલના પાણીનો ઉપયોગ કરશે, તો તે માત્ર ૨.૪ વર્ષની અંદર જ સંપૂર્ણપણે ખતમ થઈ જશે. આ ગંભીર સમસ્યામાંથી બહાર આવવા માટે કોઈપણ વસાહતે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ઉપયોગમાં લેવાતા અત્યંત કડક પાણી રિસાયક્લિંગ ધોરણો પર સંપૂર્ણપણે નિર્ભર રહેવું પડશે. જો આ રીસાયક્લિંગ પદ્ધતિને સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવે, તો પાણીના અવક્ષયના આ સમયગાળાને વધારીને ૧૦૦ વર્ષ સુધી લંબાવી શકાય છે.
