ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર લાગુ કરવામાં આવેલા પ્રતિબંધ બાદ Metaએ મોટું એક્શન લીધું છે. કંપનીએ Instagram અને Facebookના મળીને આશરે 7.54 લાખ એકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યા છે. Metaના જણાવ્યા મુજબ, આ એકાઉન્ટ્સ 16 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ સાથે સંબંધિત હોવાનું સામે આવ્યું હતું.

4.62 લાખ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ

કંપનીએ ડિસેમ્બરથી જૂન વચ્ચે આ કાર્યવાહી કરી હતી. આ દરમિયાન આશરે 4.62 લાખ Instagram અને 2.92 લાખ Facebook એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દૂર રાખવાનો કાયદો 10 ડિસેમ્બરથી અમલમાં આવ્યો છે. આ નિયમ હેઠળ Facebook, Instagram, TikTok, Snapchat સહિતના અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને બાળકોના ઉપયોગ પર નિયંત્રણ લાગુ કરવું પડ્યું છે.

કંપની નિયમોનું પાલન કરી રહી છે

ખાસ વાત એ છે કે Metaએ શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના આ કાયદા સામે વાંધો વ્યક્ત કર્યો હતો, પરંતુ હવે કંપની નિયમોનું પાલન કરી રહી છે. ઓસ્ટ્રેલિયાના ઈન્ટરનેટ રેગ્યુલેટર દ્વારા સોશિયલ મીડિયા કંપનીઓએ બાળકોને પ્લેટફોર્મથી દૂર રાખવા માટે યોગ્ય પગલાં લીધાં છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.

ઓસ્ટ્રેલિયા વધુ કડક દંડ લાદવાની તૈયારીમાં

Metaએ જણાવ્યું છે કે 16 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સના એકાઉન્ટ ઓળખવા માટે AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કંપની માત્ર યુઝર્સ દ્વારા આપવામાં આવેલી જન્મતારીખ અથવા અન્ય માહિતી પર આધાર રાખતી નથી, પરંતુ પ્રોફાઈલ અને યુઝરની પ્રવૃત્તિ જેવા સંકેતોનું પણ વિશ્લેષણ કરે છે. ઓસ્ટ્રેલિયા નિયમોનું ઉલ્લંઘન કરનારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુ કડક દંડ લાદવાની તૈયારીમાં પણ છે. આ સમગ્ર કાર્યવાહી પર વિશ્વભરના દેશોની નજર છે, કારણ કે અનેક દેશોમાં બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગને નિયંત્રિત કરવા અંગે ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો : Cab ઝડપથી મેળવવા માટે ટિપ આપવાની જરૂર નહીં, સરકારનો એગ્રીગેટર્સને મોટો આદેશ