વોટ્સએપ પોતાના નવા ફીચર્સ દ્વારા યુઝર્સને ઘણી નવી નવી સુવિધાઓ પૂરી પાડતું હોય છે. હવે તે એક નવું ફીચર લાવી રહ્યું છે, જેને વેબ સર્ચ ફીચર કહેવામાં આવે છે. આ ફીચર દ્વારા જો કોઈ તમને ફોટો મોકલશે તો તે ફોટોનો સોર્સ શોધવાનું શક્ય બનશે.


હાલમાં તમામ યુઝર્સને આ ફિચરનો નહીં મળે લાભ

આ ફિચર ખોટી માહિતી શેયર થતાં અટકાવશે. જો કોઈ વ્યક્તિ નકલી ફોટો ફોરવર્ડ કરે છે તો યુઝર્સ WhatsApp વેબ સર્ચ દ્વારા ફોટાની સત્યતાની ચકાસણી કરી શકશે. હાલમાં આ સુવિધા WABetaInfo પર પ્રાથમિક ધોરણે ઉપલબ્ધ છે. આ ફીચર થોડા દિવસોમાં તમામ વોટ્સએપ યુઝર્સ માટે પણ ઉપલબ્ધ થશે.

ખોટી માહિતીથી થાય છે રમખાણો

વોટ્સએપ દ્વારા ઘણી તસવીરો ફોરવર્ડ કરવામાં આવે છે અને ઘણી વખત કોઈ અન્ય સ્થળનો ફોટો કોઈ અન્ય સ્થળ અથવા ઘટનાનો હોવાનું કહીને ફોરવર્ડ કરી દેવામાં આવે છે. આના કારણે ખોટી માહિતી ફેલાઈ જાય છે. ઘણી વખત આના કારણે મોટા રમખાણો પણ થયા છે. હવે WhatsApp વેબ સર્ચ ફીચર આપી રહ્યું છે. આ ફીચરની મદદથી એ જાણી શકાશે કે શેર કરેલા ફોટોનો સોર્સ અને તેમાં આપવામાં આવેલી માહિતી સાચી છે કે નહીં.

માત્ર વોટ્સએપ પરના ફોટા જ નહીં પણ અન્ય ફોટોના સોર્સને પણ વોટ્સએપ વેબ સર્ચ દ્વારા શોધી શકાય છે. આની મદદથી યુઝર સ્પષ્ટ અને સચોટ માહિતી મેળવી શકશે. ખોટી માહિતીથી બચવું શક્ય બનશે અને સાથે જ કોઈપણ ઈમેજને ફોરવર્ડ કરતા પહેલા તેની અધિકૃતતા તપાસવી સરળ રહેશે.

આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો?

WhatsApp વેબ ફીચરનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. વોટ્સએપ ચેટમાં ઈમેજ ઓપન કરો અને પછી મેનુમાં 3 બિંદુઓ પર ટેપ કરો અને 'વેબ પર શોધો' પસંદ કરો. થોડા સમયની અંદર, ઈમેજની સંપૂર્ણ માહિતી WhatsApp વેબ પર દેખાશે. આ ફીચર ફોટો વિશે મહત્વની જાણકારી આપશે. ફોટો ક્યારે ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યો હતો, તેનો પુનઃઉપયોગ થઈ રહ્યો છે કે કેમ, તેને એડિટ કરવામાં આવ્યો છે કે કેમ, આ બધું વેબ સર્ચ દ્વારા જાણી શકાશે.


  • Follow us on: