26 વર્ષીય સુચિર બાલાજી સાન ફ્રાન્સિસ્કોમાં તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. સુચિર ChatGPT મેકર OpenAIની કાર્ય કરવાની રીત પર સવાલ ઉઠાવવા માટે ચર્ચામાં આવ્યા હતા. સાન ફ્રાન્સિસ્કો પોલીસનું કહેવું છે કે શરૂઆતની તપાસમાં તેમને અયોગ્ય રમતના કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસને શંકા છે કે આ આત્મહત્યા હોઈ શકે છે.
બાલાજી OpenAIમાં રિચર્ચ તરીકે કામ કરતા હતા. તેને આ વર્ષની શરૂઆતમાં કંપની છોડી દીધી હતી. કંપની છોડ્યા પછી, તેને ChatGPT મેકર પર કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ મૂક્યો.
OpenAIના કામ પર લગાવ્યા હતા ઘણા આક્ષેપો
ChatGPTની શરૂઆતથી જ OpenAI આવા આરોપોનો સામનો કરી રહી છે. કંપનીએ આ AI મોડલને વર્ષ 2022માં લોન્ચ કર્યું હતું. જે બાદ કંપની વિરુદ્ધ કોપીરાઈટને લઈને ઘણા કેસ દાખલ કરવામાં આવ્યા છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપનીએ તેના AIને તાલીમ આપવા માટે અન્યની કોપીરાઈટ કરેલી કન્ટેન્ટનો ઉપયોગ કર્યો છે.
તેની લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ પર સુચિરે લખ્યું હતું કે, 'શરૂઆતમાં હું કોપીરાઈટ અને ફેયર યૂઝ વિશે વધુ જાણતો ન હતો, પરંતુ GenAI કંપનીઓ સામેના મુકદ્દમા પછી મને તેમાં રસ પડ્યો.' તેને કહ્યું, 'જ્યારે મને આ બાબત સમજાઈ, ત્યારે મેં જોયું કે ઘણી જનરેટિવ AI કંપનીઓ માટે યોગ્ય ઉપયોગ અશક્ય છે.'
કોણ હતા સુચિર બાલાજી?
સુચિર બાલાજીએ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાંથી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે. આ પછી તેણે OpenAI અને Scale AIમાં ઈન્ટર્નશિપ કરી. OpenAIમાં તેમના શરૂઆતના દિવસોમાં તેમણે WebGPT પર કામ કર્યું હતું. આ પછી તે GPT-4ની પૂર્વ પ્રશિક્ષિત ટીમનો ભાગ બન્યો.
લગભગ ચાર વર્ષ સુધી OpenAI સાથે કામ કર્યા પછી, તેને કંપની સાથે અલગ થવાનું નક્કી કર્યું. ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં સુચિરે કહ્યું હતું કે તેને સમજાયું છે કે આ ટેક્નોલોજીની સમાજ પર સારી કરતાં વધુ ખરાબ અસર પડશે. તેમની મુખ્ય ચિંતા એ હતી કે કેવી રીતે OpenAI કથિત રીતે કોપીરાઈટ ડેટાનો ઉપયોગ કરી રહ્યું હતું.
મિત્રોએ આપી પોલીસને જાણકારી
તમને જણાવી દઈએ કે સુચિર બાલાજીના મૃત્યુની ઘટના 26 નવેમ્બરે બની હતી, જે 14 ડિસેમ્બરના રોજ સામે આવી હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો સુચિર તેના મિત્રો અને સહકાર્યકરોના ફોન કોલ્સનો જવાબ આપતો ન હતો. જ્યારે તેના મિત્રો ફ્લેટ પર પહોંચ્યા તો તે અંદરથી બંધ હતો. આ પછી તેણે પોલીસને આ બાબતે જાણ કરી હતી. જ્યારે પોલીસ ફ્લેટનો દરવાજો તોડી અંદર પહોંચી તો સુચિરની લાશ મળી આવી હતી.