મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારનો નિર્ણય, ૧ મેથી NPRની પ્રક્રિયા શરૂ કરાશે - Sandesh
  • Home
  • India
  • મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારનો નિર્ણય, ૧ મેથી NPRની પ્રક્રિયા શરૂ કરાશે

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારનો નિર્ણય, ૧ મેથી NPRની પ્રક્રિયા શરૂ કરાશે

 | 6:33 am IST

। મુંબઈ ।

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR)ની પ્રક્રિયા લાગુ કરવા માટે મંજૂરી આપી દીધી છે. પહેલી મેથી NPRની પ્રક્રિયા રાજ્યમાં શરૂ થઈ જશે. જોકે આ મુદ્દે કોંગ્રેસ અને શરદ પવારની એનસીપીનો પહેલેથી જ વિરોધ છે અને તેથી મહા વિકાસ અઘાડી સરકારમાં વિચારધારાના મુદ્દે આંતરિક તણાવ ફરી બહાર આવ્યો છે.

રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેશન્સ કમિશનરે મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓ સાથે NPR અને જનગણનાના મુદ્દે ચર્ચા કરી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર આ સંદર્ભમાં જલદીથી નોટિફિકેશન બહાર પાડશે. મહારાષ્ટ્રમાં NPRની પ્રક્રિયા આશરે ૬ અઠવાડિયામાં પૂરી થવાની ધારણા છે.

રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ આપ્યો છે કે તેઓ પ્રોફેસરો અને સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓને એકઠા કરે અને એમને જનગણના મુદ્દે ટ્રેનિંગ આપે. જે અધિકારીઓ આ પ્રક્રિયાનો હિસ્સો હશે અને સુપરવિઝન કરશે તેમને પૂરતી ટ્રેનિંગ આપવામાં આવશે. કર્મચારીઓએ NPRની ડેટા કેવી રીતે એકત્ર કરવાની છે એ તમામ બાબતો સમજાવવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓ ૧ મેથી ૧૫ જૂન સુધીમાં જાણકારી એકત્ર કરશે અને આવતા વર્ષે ૯ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન જનગણના કરવામાં આવશે. આ કામ માટે મહારાષ્ટ્ર સરકારે ૩.૩૪ લાખ કર્મચારીઓને નિયુક્ત કર્યા છે. કોંગ્રેસ અને એનસીપીનો વિરોધ મહારાષ્ટ્રમાં NPRની પ્રક્રિયા શરૂ કરવા સામે કોંગ્રેસ અને એનસીપીને પરેશાની થઈ શકે છે. તેમણે આનો વિરોધ કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે NPRની પ્રક્રિયા એ NRCનું પહેલું ચરણ છે. ત્યાર બાદ એ રાષ્ટ્રવ્યાપી NRCમાં ફેરવાશે..

અનેક સ્થળે વિરોધ પ્રદર્શન જારી

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર છે. જોકે NPRના મુદ્દે વિવાદ થવાની સંભાવના છે. કોંગ્રેસ અને એનસીપીએ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC)નો વિરોધ કર્યો છે. શિવસેનાએ NPR લાગુ કરવાની વાત કરી છે. આથી હવે આ મુદ્દે આપસી મતભેદો બહાર આવે એવી શક્યતા છે. દેશભરમાં લોકો નાગરિકતા કાયદો, NPR અને NRCનો વિરોધ કરે છે. અનેક સ્થળે વિરોધ પ્રદર્શન જારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;