The eighth power of Maa Durgaji is grace of Mahagauri
  • Home
  • Astro
  • મા દુર્ગાજીની આઠમી શક્તિ મહાગૌરીની કૃપાથી કલંક ધોવાઈ જાય

મા દુર્ગાજીની આઠમી શક્તિ મહાગૌરીની કૃપાથી કલંક ધોવાઈ જાય

 | 8:30 am IST
  • Share

  • મા દુર્ગાજીની આઠમી શક્તિનું નામ મહાગૌરી
  • પદ્મ, મત્સ્ય અને કાલિકાપુરાણમાં દેવીના ત્રણ સ્વરૂપ બતાવ્યાં છે
  • નવરાત્રિના નવ દિવસોમાં મા દુર્ગાના આઠમા સ્વરૂપ મહાગૌરીની ઉપાસના

શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતામ્બરધરા શુચિ :।

મહાગૌરી શુભં દધાન્મહાદેવપ્રમોદદા ।।

મા દુર્ગાજીની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે. તેમનો વર્ણ સંપૂર્ણપણે ગૌર છે. તેમની આ ગૌરતાની ઉપમા શંખ, ચંદ્ર અને મોગરાના પુષ્પથી અપાઈ છે. પદ્મ, મત્સ્ય અને કાલિકાપુરાણમાં દેવીના ત્રણ સ્વરૂપ બતાવ્યાં છે. પાર્વતી, કાલી અને મહાગૌરી. તેમની ઉંમર આઠ વર્ષની માનવામાં આવેલ છે.

નવરાત્રિના નવ દિવસોમાં મા દુર્ગાના આઠમા સ્વરૂપને મહાગૌરી તરીકે ઓળખવામાં આવે છે. ‘અષ્ટવર્ષા ભવેદ્ ગૌરી.’ તેમનાં સમસ્ત આભૂષણ અને વસ્ત્રો વગેરે પણ શ્વેત છે. તેમને ચાર ભુજાઓ છે. તેમનું વાહન વૃષભ છે. તેમનો ઉપરનો જમણો હાથ અભયમુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશૂળ શોભાયમાન છે. ઉપરના ડાબા હાથમાં ડમરુ અને નીચેનો ડાબો હાથ વરદમુદ્રામાં છે. સ્વભાવે અત્યંત શાંત અને સૌમ્ય નજરે પડે છે.

નારદપાશ્ચરાત્રમાં જણાવ્યા અનુસાર પોતાના પાર્વતીરૂપમાં તેમણે ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે ઘણું કઠોર તપ કર્યું હતું. તેમની પ્રતિજ્ઞાા હતી કે ‘વ્રિયેડહં વરદં શમ્ભું નાન્યં દેવં મહેશ્વરાત્’ (નારદ પાશ્ચરાત્ર)ગોસ્વામી તુલસીદાસજીની ચોપડીમાં જણાવ્યા અનુસાર પાર્વતીજીએ ભગવાન શિવના વરણ માટે કઠોર સંકલ્પ કર્યો હતો.

જન્મ કોટિ લગિ રગર હમારી ।

બરઉં શંભુ ન ત રહઉં કુઆરી ।।

આવા કઠોર તપને કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું. તેમના તપથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈને જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી મર્દન કરીને ધોયું ત્યારે તેઓ વિદ્યુતપ્રભા જેવા અત્યંત કાન્તિમાન – ગૌર થઈ ઊઠયાં. ત્યારથી તેમનું નામ મહાગૌરી પડયું. દુર્ગાસપ્તશતીમાં જણાવેલ છે કે શુંભ નિશુંભ સહિત અનેક પરાક્રમી અસુરોનો વધ કરીને મા જ્યારે શાંતચિત્તે બેઠાં હતાં ત્યારે તેમના અભિવાદનના સ્વરૂપમાં દેવતાઓએ મા પાર્વતીની અનેક સુંદર સ્વરમાં સ્તુતિ કરી એ સમયે આ મહાગૌરીના રૂપના દેવતાઓને દર્શન થયાં હતાં.

માતા મહાગૌરીનું પ્રાચીન મંદિર  પંજાબના લુધિયાણા શહેરમાં આવેલું છે. આપણી કુળદેવી પણ મહાગૌરીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. માના આ સ્વરૂપને અન્નપૂર્ણા ઐશ્વર્ય પ્રદાતા માનસિક શાંતિ આપનાર અને સાંસારિક તપથી મુક્તિ આપનાર માનવામાં આવે છે. તુલા રાશિના જાતકોએ મહાગૌરીની ઉપાસના કરવાથી આ રાશિના ભક્તોનું દાપત્યજીવન સુખી રહે છે. આ દિવસે આ રાશિના જાતકોએ ગુલાબી રંગનાં કપડાં પહેરીને પૂજા કરવાનું શાસ્ત્ર્રોમાં વિધાન છે. આ દિવસે માતાજીને અષ્ટ કમળ ઉપર ગુલાબી કે લાલ આસન પર બિરાજમાન કરીને અખંડ દીવો પ્રગટાવીને પૂજનઅર્ચન કરવું જોઈએ.

આ દિવસની પૂજાને માની વિશેષ પૂજા માનવામાં આવે છે. માને વિવિધ દ્રવ્યો દ્વારા અભિષેક કરવો. માનાં ચરણોમાં અબીલ, ગુલાલ, કંકુ અને સિંદૂર ચઢાવીને કમળનું પુષ્પ અર્પણ કરવું જોઇએ. માની આરતી ઉતારીને સુખડીનો પ્રસાદ તથા દાડમ કે સફ્રજન અર્પણ કરવાથી મા અત્યંત ખુશ થાય છે. આ દિવસે ચંડીપાઠના તેર અધ્યાય કરીને માનો યજ્ઞા કરીને શ્લોક બોલીને વિશેષ આહુતિ આપવી. ચંડીપાઠને માતાજીનું વાંગ્મય સ્વરૂપ માનવામાં આવે છે. આ દિવસે વિશેષમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો.

દુર્ગાપૂજાના આઠમા દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન છે. તેમની શક્તિ અમોઘ અને તુરંત ફ્ળ આપનારી છે. તેમની ઉપાસનાથી ભક્તોના સર્વે કલંક, દોષ અને અપરાધનો અંત આવે છે. તેમના પૂર્વસંચિત પાપ પણ નષ્ટ થઈ જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ભવિષ્યમાં પાપ – સંતાપ, દૈત્ય – દુઃખ તેની પાસે ક્યારેય આવતાં નથી. તે સર્વે પ્રકારે પવિત્ર અને અક્ષય પુણ્યનો અધિકારી બની જાય છે. આવા ભક્તવત્સલ મહાશક્તિ મહાગૌરીના ચરણોમાં આજના પાવન દિવસે હું વારંવાર વંદન કરું છું. જય અંબે…

ઉપાસના મંત્રો  શાંતિ કુરુ મહાગૌરી સર્વ સિદ્ધિ પ્રદાયક

ભુક્તિ, મુક્તિ, દાયક દેવી, નમસ્તે, નમસ્તે સ્વાહા

ૐ કલીં, હૂ , મહાગૌર્યે ક્ષૌ, ક્ષૌ, મમ સુખ-શાંતિ કુરુકુરુ સ્વાહા’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો