The Flipkart vendor became the wind of change for women's empowerment
  • Home
  • Business
  • આ ફ્લિપકાર્ટ વિક્રેતા બન્યા મહિલા સશક્તિકરણ માટે પરિવર્તનનો પવન

આ ફ્લિપકાર્ટ વિક્રેતા બન્યા મહિલા સશક્તિકરણ માટે પરિવર્તનનો પવન

 | 7:59 am IST
  • Share

  • ઓનલાઇન વ્યયસાય શરૂ કરી વતનની મહિલાઓ માટે ઊભી કરી રોજગારી
  • બહેનોના સર્જનાત્મકતા અને ધીરજના ગુણોને હેન્ડિક્રાફ્ટના વ્યવસાય માટે ઉપયોગમાં લીધા

જ્યારે પણ વેપાર-ધંધાની વાત થાય ત્યારે સ્વાભાવિક રીતે મનમાં કોઈ ઉદ્યોગપતિ કે જાણીતા દુકાનદાર કે શો-રૂમના માલીકનો ખ્યાલ આવે. ધ્યાનથી એ ખ્યાલને મઠારશો તો તેમાં એ ઉદ્યોગપતિ કે જાણીતા દુકાનદાર કે શો-રૂમના માલીક 100માંથી 99 વખત પુરુષ હશે. આદિકાળથી દુનિયામાં વેપાર ઉદ્યોગોમાં પુરુષોનું જ પ્રભુત્વ અને પ્રભાવ રહ્યા છે, તેમ કહીએ તો ખોટું નથી અને ભારત તથા ગુજરાત પણ તેમાંથી બાકાત નથી.

આમ છતાં, આ પુરુષ પ્રધાન વેપાર ઉદ્યોગોમાં કેટલાંક ઉદ્યોગસાહસિકો એવાં પણ હોય છે જે પોતાના વેપારમાં અને એ વેપારના વિકાસમાં મહિલાઓની ભૂમિકાને પૂરતું મહત્ત્વ આપે છે. એટલું જ નહીં તેઓ પોતાના વ્યવસાયની સાથે જોડાયેલી એ મહિલાઓને માત્ર આર્થિક રીતે પગભર જ નહીં, પરંતુ સમાજમાં આત્મવિશ્વાસપૂર્વક ગરિમાપૂર્ણ જીવન જીવી શકે તે પ્રકારે સક્ષમ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આવા જ એક ઉદ્યોગ સાહસિક છે ધવલ પટેલ.

રાજકોટ નજીક આવેલું વિરપુર ગામ સંત શ્રી જલારામ બાપાને કારણે એક તીર્થ સ્થળ તરીકે જાણીતું છે. ધવલ આ ગામમાં જ મોટા થયા છે. ઇ-કોમર્સ અને ઓનલાઇન વેચાણ જેવા શબ્દો વિશે જ્યારે કોઈ જાણતું પણ નહોતું ત્યારે ધવલ પોતે જ હેન્ડિક્રાફ્ટની કલાકૃતિઓ તૈયાર કરવાના તેમના પારિવારિક વ્યવસાયમાં જોડાયા હતા.

ઓફલાઇન વ્યવસાયથી ઓનલાઇન સેલિંગ વિશેની પોતાની સફર વિશે વાત કરતાં ધવલ કહે છે, “મારા કાકા ખૂબ જ ક્રિએટિવ છે અને હેન્ડિક્રાફ્ટની કલાકૃતિઓની ડિઝાઈન તૈયાર કરતા હતા. અમે તેમની સાથે મળીને વિવિધ પ્રોડક્ટ પર કામ કરતા અને તેમનું વેચાણ પણ કરતા હતા. એ સમયે અમે જેટલા ઓર્ડર મળે તેટલું કામ કરતા અને ત્યારે ઓર્ડર પણ મહિનામાં ચારથી પાંચ જેટલાં જ મળતા હતા.”

ઇન્ટરનેટ અને ઈકોમર્સની શરૂઆત થઈ ત્યારે ધવલ પટેલે યૂટ્યૂબ પર ફ્લિપકાર્ટના લર્નિંગ સેન્ટર પરથી ઈકોમર્સ વિશેની સમજણ કેળવી અને પોતાના વેપારને ઓનલાઇન કેવી રીતે વધારી શકાય તે વિશે જાણકારી મેળવી. તેમણે કહ્યું, “ફ્લિપકાર્ટ સાથે જોડાયા બાદ અમારા વેપારમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે. એક સમયે અમે મહિનામાં માત્ર ચાર કે પાંચ ઓર્ડર મેળવતા હતા અને અત્યારે અમને રોજના 80-100 ઓર્ડર મળે છે. પહેલાં અમે ઘરના ત્રણથી ચાર સભ્યો જ ભેગા મળીને એ ચાર-પાંચ ઓર્ડર પૂરા કરી લેતા હતા. હવે અમારે વધુ લોકોની જરૂર પડી છે.”

રાજકોટ અને વિરપુરમાં હવે પોતાની ફર્મ નવરંગ હેન્ડિક્રાફ્ટની ઉપસ્થિતિ ધરાવતા ધવલનો મુખ્ય વ્યવસાય તેમની ફેક્ટરીમાં તૈયાર થતી કલાકૃતિઓનું ઓનલાઇન વેચાણ જ છે. ધવલ કહે છે, “હેન્ડિક્રાફ્ટનું કામ મશીનથી નહીં, પરંતુ હાથથી થાય છે. જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓને હેન્ડિક્રાફ્ટથી કલાત્મક બનાવી શકાય છે અને ઘરમાં વપરાતા પાણી પીવાના ગ્લાસથી લઈને મેકઅપ કે બંગડી મૂકવાના બોકસ સુધીની તમામ વસ્તુઓ અમે હેન્ડિક્રાફ્ટથી બનાવીએ છીએ.”

ધવલે પોતાના ગામ વિરપુરમાં જ હેન્ડિક્રાફ્ટની એક ફેક્ટરી બનાવી છે, જેમાં અત્યારે 25 જેટલી બહેનો કામ કરે છે. ફ્લિપકાર્ટ સમર્થ કાર્યક્રમ દ્વારા હેન્ડિક્રાફ્ટના વ્યવસાયમાં બહેનોને જોડવાની વાત કરતા ધવલ કહે છે, “હેન્ડિક્રાફ્ટનું કામ બારીક હોય છે અને ઘણી ધીરજ માગી લે તેવું હોય છે. બહેનોમાં બારીક કામને ધીરજપૂર્વક કરવાનું કૌશલ્ય ભાઈઓ કરતાં વધારે સારું હોય છે. આથી અમે બહેનો સાથે કામ કરીએ છીએ. આ કામ બેઠાં બેઠાં શાંતિથી કરી શકાય છે અને ઘરેથી પણ હેન્ડિક્રાફ્ટનું કામ થઈ શકે છે. એટલે બહેનોને પણ તેમના ઘરના કામની સાથે સાથે આ કામમાં જોડાવાની અનુકૂળતા રહે છે.”

વિરપુર પંથકમાં બહેનો માટે ઘરના કામ સિવાય રોજગારી મેળવવાની તકો ખૂબ મર્યાદિત હતી. બહેનોઓ મોટેભાગે ખેતીના કામ કરવા માટે ખેતરોમાં જવું પડતું. જેમની પાસે ખેતીનું કામ ન હોય અને છતાં કામ કરવું હોય જેતપુર કે પછી રાજકોટ જવું પડે, જે આ વિસ્તારમાં કામ કરવા ઇચ્છતી તમામ બહેનો માટે શક્ય નહોતું. ફ્લિપકાર્ટ વિક્રેતા તરીકે કામ કરવાનું શરૂ કર્યા બાદ આ વિસ્તારની બહેનો માટે પણ ધવલે રોજગારીની તકો ઊભી કરી છે.

તેમની સાથે કામ કરતી બહેનોને તેમના અનુભવ અને કૌશલ્ય અનુસાર મહિને રૂ. 20 હજાર સુધીની રોજગારી પણ મળે છે. પોતાના વતનમાં જ રહીને પોતાના વેપારને મહિલા સશક્તિકરણના હેતુ સાથે ઓનલાઇન વેચાણના આકાશમાં સફળતાનું મેઘધનુષ બનાવનારા ધવલ પટેલના હેન્ડિક્રાફ્ટમાં વિરપુરની બહેનોના કલા કૌશલ્યોના રંગો પણ પોતાની હાજરી નોંધાવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો