The shortage of chips spoiled the festive for auto companies
  • Home
  • Business
  • ચીપની તંગી એ ઓટો કંપનીઓ માટે તહેવારોની મજા બગાડી

ચીપની તંગી એ ઓટો કંપનીઓ માટે તહેવારોની મજા બગાડી

 | 11:00 am IST
  • Share

  • રિટેલ સેલ્સમાં ૭થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વેચાણમાં ૫૦ ટકા સુધીના ઘટાડાનો અંદાજ

  • ગયા વર્ષે દ્વિઅંકી વૃદ્ધિ નોંધાવનાર કંપનીઓ આ વર્ષે ૬૦ ટકા વેચાણ ઘટાડો દર્શાવી શકે

     

ઓટોમોબાઈલ કંપનીઓ માટે ચાલુ તહેવારોની સિઝન ડલ બની રહી છે. દશેરા સુધીમાં પૂરો થયેલો પ્રથમ તબક્કો કંપનીઓને ખુશ કરવામાં નિષ્ફ્ળ રહ્યો છે. જ્યારે દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો સુધીમાં પણ સ્થિતિમાં કોઈ ફેરફર થાય તેવી શક્યતા નથી જણાતી. વર્તુળોના મતે ગયા વર્ષે તહેવારોના સમયગાળા દરમિયાન વાહનોના વેચાણમાં દ્વિઅંકી વૃદ્ધિ નોંધાવનાર કંપનીઓ ચાલુ વર્ષે રિટેલ સેલ્સમાં ૫૦-૬૦ ટકા ઘટાડો દર્શાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. કેમકે કાર ઉત્પાદકો ચીપની અછતને કારણે ગ્રાહકોની માગને પૂરી કરવા માટે સક્ષમ નથી.

દ્વિચક્રિય વાહન ઉત્પાદકો માટે ચાલુ વર્ષે નવરાત્રી સતત બીજી ખરાબ નવરાત્રી બની રહી હતી. જેનું મુખ્ય કારણ નીચી ડિમાન્ડ અને હાઈ કોસ્ટ હતું. જોકે પર્સનલ મોબિલિટી માટે વધતી મજબૂત પસંદગીને કારણે કાર અને એસયૂવીની માગમાં ઊંચી માગ જળવાઈ રહી છે. જોકે ગ્રાહકોની ધીરજ ખૂટી રહી છે. તેઓ તેમની પસંદગીના મોડેલ માટે લાંબો સમય રાહ જોવા માટે તૈયાર નથી એમ મારુતિ સુઝુકીના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર જણાવે છે. જે બાબતનો ખ્યાલ બુકિંગ્સમાં ૬-૭ ટકાના ઘટાડા પરથી આવે છે. શરૂઆતમાં બુકિંગ્સ માટે મજબૂત ધસારો જોવા મળ્યો હતો. જોકે પાછળથી તેઓ ધીમા પડયા છે એમ તેઓ ઉમેરે છે. ફેડરેશન ઓફ્ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ પણ આ વાત સાથે સહમત છે. કંપનીઓ દ્વારા નવા લોંચિંગ્સને કારણે ગ્રાહકોમાં ઉત્તેજના જોવા મળે છે પરંતુ તેમની પસંદગીના મોડેલની ઉપલબ્ધિનો અભાવ વાતને વણસાવી રહ્યો છે અને તેને કારણે ડીલ્સ થઈ રહ્યાં નથી એમ તેઓ જણાવે છે. બજારમાં મોડેલ્સની અપ્રાપ્તિ અને તેમાં પણ ખાસ કરીને ટોપ-એન્ડ મોડેલ્સ નહિ મળતાં રિટેલ સેલ્સ પર વિપરીત અસર પડી છે. જેને કારણે ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન વાર્ષિક વેચાણમાં ૫૦ ટકા ઘટાડો નોધાયાનો અંદાજ છે.

ગ્રાહકોને એન્ટ્રી લેવલ મોડેલ્સમાં સારી ઓર્ફ્સ છતાં ખરીદીનું આકર્ષણ નથી. તેઓ મિડ અને હાઈ-ટ્રીમ વેરિઅન્ટ્સને ટાર્ગેટ કરી રહ્યાં છે. જે ચીપની તંગીને કારણે શોર્ટ સપ્લાયમાં છે. પરિણામે, સમગ્ર રિટેલ વેચાણ પર અસર જોવા મળી રહી છે. જોકે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તાજેતરમાં લોંચ કરેલા એક્સયૂવી ૭૦૦ મોડેલ માટે ગ્રાહકો લાંબી પ્રતીક્ષા માટે તૈયાર થયાં છે. અત્યાર સુધીમાં કુલ ૫૦ હજારથી વધુ કાર્સનું બુકિંગ્સ થઈ ચૂક્યું છે.

કાર કરતાં ટુ-વ્હીલર્સ ઉત્પાદકોને વધુ મુશ્કેલી

જોકે કાર ઉત્પાદકો કરતાં વધુ મુશ્કેલી ટુ-વ્હીલર્સ ઉત્પાદકો અનુભવી રહ્યાં છે. સેગમેન્ટ મહામારીની અસરમાંથી સંપૂર્ણપણે બહાર આવી શક્યું નથી. તે ચાલુ તહેવારોની સિઝન પર મોટો મદાર બાંધીને બેઠું હતું. જોકે અત્યાર સુધી વેચાણ સંતોષકારક નથી જોવા મળ્યાં. નવરાત્રિનું વેચાણ અમારી અપેક્ષા કરતાં ઘણું નીચું જોવા મળ્યું છે. ગ્રાહકો તરફ્થી ઈન્કવાયરીઝનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. મોટાભાગના પ્રદેશોમાં ગઈ નવરાત્રિની સરખામણીમાં ચાલુ નવરાત્રિએ ૨૫ ટકા વેચાણ ઘટાડો નોંધાયો છે. છેલ્લાં બે વર્ષોમાં ટુ-વ્હીલર્સના ખરીદ મૂલ્યમાં સરેરાશ ૩૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે. જે પણ આ માટેનું એક મહત્ત્વનું પરિબળ છે એમ વર્તુળો જણાવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો