ત્રણ ડોક્ટર અને ૩૨ નર્સને કોરોના, મુંબઇની બે હોસ્પિટલ સીલ - Sandesh
  • Home
  • India
  • ત્રણ ડોક્ટર અને ૩૨ નર્સને કોરોના, મુંબઇની બે હોસ્પિટલ સીલ

ત્રણ ડોક્ટર અને ૩૨ નર્સને કોરોના, મુંબઇની બે હોસ્પિટલ સીલ

 | 2:02 am IST

મુંબઇના આગ્રાપાડા વિસ્તારમાં આવેલી વોકહાર્ડ હોસ્પિટલના ૩ ડોક્ટર અને ૨૬ નર્સના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ સોમવારે આખી હોસ્પિટલ સીલ કરી દેવાઇ હતી. બીએમસીએ રવિવારે આ હોસ્પિટલને કન્ટેઇનમેન્ટ ઝોન ઘોષિત કરી હતી. આ ઉપરાંત મુંબઇની જસલોક હોસ્પિટલમાં છ નર્સ અને સ્ટાફના ચાર સભ્યોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં આ હોસ્પિટલ પણ કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરીને  સીલ કરી દેવાઇ છે.

બીએમસીના અધિક મ્યુનિસિપલ કમિશ્નર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે, આખી હોસ્પિટલને સીલ કરી દેવાઇ છે. તેના કર્મચારીઓને કોરોના ટેસ્ટ નેગેટિવ નહીં આવે ત્યાં સુધી બહાર જવા દેવાશે નહીં. હોસ્પિટલ સત્તાવાળાઓએ સાવચેતીનાં પગલાં ન લઇને ગંભીર બેદરકારી બતાવી છે. તેના કારણે વોકહાર્ડ હોસ્પિટલના ૩૦૦ જેટલાં કર્મચારીને હોસ્પિટલમાં જ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. અમે હોસ્પિટલમં આટલા બધા લોકોમાં કોરોના વાઇરસ કેવી રીતે પ્રસર્યો તેની તપાસ માટે એક ટીમ તૈયાર કરી છે.

કોરોનાના વાઇરસથી સંક્રમિત થયેલી નર્સોએ આરોપ મૂકયો હતો કે, વોકહાર્ડ હોસ્પિટલની ઘોર બેદરકારીને કારણે હોસ્પિટલના કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયાં છે. ૨૦મી માર્ચે કસ્તુરબા ગાંધી હોસ્પિટલમાંથી કોરોનાના બે શંકાસ્પદ અને પોઝિટિવ દર્દીને આ હોસ્પિટલમાં લવાયાં હતાં. કોરોનાના કન્ફર્મ કેસનેઆઇસોલેશન વોર્ડમાં રખાયાં હતાં જ્યારે શંકાસ્પદ કેસોને જનરલ આઇસીયુ વોર્ડમાં સામાન્ય દર્દીઓની સાથે જ રખાયાં હતાં. ૨૮મી માર્ચના રોજ જનરલ આઇસીયુ વોર્ડમાં ફરજ બજાવતી બે નર્સના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં હતાં પરંતુ ટૂંકસમયમાં કોરોનાનો ચેપ ૨૬ નર્સો અને ૩ ડોક્ટરોમાં ફેલાઇ ગયો હતો. દર્દીઓના સગાઓએ આરોપ મૂક્યો હતો કે, કોરોનાથી સંક્રમિત નર્સો હોસ્પિટલની કેન્ટીન, હોસ્ટેલ અને બાથરૂમનો ઉપયોગ કરી રહી હતી.

વોકહાર્ડ હોસ્પિટલના કર્મચારીઓએ આરોપ મૂક્યો તો કે, હોસ્પિટલે કોરોના પોઝિટિવ નર્સોને ક્વોરન્ટાઇન કરી નહીં અને તેમને કામ કરવાની ફરજ પડી તેના કારણે અન્ય કર્મચારીઓમાં કોરોનાનો વાઇરસ ફેલાઇ ગયો હતો. એક નર્સે જણાવ્યું હતું કે, બીએમસીના કર્મચારી પહેલી એપ્રિલે ઇન્સેપક્શન માટે આવ્યાં ત્યારે કેટલીક નર્સોએ તેમનામાં કોરોનાના લક્ષણ હોવાની માહિતી આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હોસ્પિટલના સીનિયર અધિકારીઓએ તેમને અટકાવી હતી.

હોટસ્પોટ પ્રદેશો અને ક્લસ્ટર ઝોનમાં લોકડાઉન લંબાવવા સરકારની વિચારણા । P. ૧૧

બિકાનેરમાં ડોક્ટરો સહિત ૫૦ ક્વોરન્ટાઇન

રાજસ્થાનના બિકાનેરમાં આવેલી સરકાર સંચાલિત પીબીએમ હોસ્પિટલમાં ૬૦ વર્ષીય મહિલાનું મોત થયા પછી તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં ડોક્ટરો અને નર્સો સહિત ૫૦ લોકોને ક્વોરન્ટાઇન કરાયાં છે. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી તપાસના આદેશ અપાયા છે. મૃતક મહિલાના પરિવારજનોને પણ ક્વોરન્ટાઇન કરાયાં છે.

પૂણેમાં ડોક્ટરો સહિત ૯૨ કર્મચારીને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા

પુણેની ડી વાય પાટીલ હોસ્પિટલમાં અકસ્માતમાં ઘાયલ થઇને આવેલા એક દર્દીની સારવાર કરનાર કેટલાક ડોક્ટર સહિત હોસ્પિટલના ૯૨ કર્મચારીને ક્વોરન્ટાઇન કરાયાં છે. ઘાયલ દર્દીને સામાન્ય દર્દી તરીકે સારવાર અપાઇ હતી. તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં આ પગલું લેવાયું છે.

લોકલ કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઇ રહ્યું છે

દિલ્હીની એઇમ્સ હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ ચેતવણી ઉચ્ચારી છે કે દેશના કેટલાક વિસ્તારોમાં કોરોના મહામારી ત્રીજા સ્ટેજમાં પહોંચી છે અને કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઇ રહ્યું છે. સમગ્ર ભારતમાં હાલ કોરોનાની મહામારી બીજા અને ત્રીજા સ્ટેજની વચ્ચે છે પરંતુ મુંબઇ જેવા કેટલાક વિસ્તારોમાં લોકલ કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઇ રહ્યું છે.

રેલવેના ૨૫૦૦  કોચમાં હવે ૪૦,૦૦૦ કોરોના દર્દીઓને રાખી શકવાની વ્યવસ્થા

ભારતીય રેલવેએ અત્યાર સુધીમાં ૨૫૦૦ કરતાં વધુ કોચને આઇસોલેશન વોર્ડમાં તબદિલ કરી દીધાં છે. આ કોચમાં ઓછામાં ઓછા ૪૦,૦૦૦ દર્દીઓને આઇસોલેશનમાં રાખી શકાશે. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે, રોજના ૩૭૫ કોચનેઆઇસોલેશન વોર્ડમાં તબદિલ કરવામાં આવી રહ્યાં છે.

કોરોનાથી બચાવ માટે આરોગ્યકર્મીઓ સાધનસજ્જ નથી : નર્સિસ એસોસિયેશન

૩.૮ લાખ જેટલી નર્સના બનેલા સંગઠન યુનાઇટેડ નર્સિસ એસોસિયેશને સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી છે. સંગઠનના વકીલે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કોવિડ- ૧૯નું સંક્રમણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને નર્સિસ અને આરોગ્યકર્મીઓ સંક્રમણનો સામનો કરવા સાધનસજ્જ ના હોવાથી તેઓ સંક્રમણનો શિકાર બને તેવો ખતરો તોળાયેલો રહે છે.  સરકારે કોવિડ -૧૯ના સંદર્ભમાં હજી નેશનલ મેનેજમેન્ટ પ્રોટોકોલની રચના નથી કરી.  અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે કોવિડ-૧૯નો સામનો કરવા આરોગ્યકર્મીઓ પ્રથમ હરોળમાં ઝઝૂમી રહ્યા છે. આરોગ્યકર્મી પેથોલોજિકલ સંક્રમણ, કામ કરવાના લાંબા સમય, માનસિક તંગદિલીનો સામનો કરી રહ્યા છે.

ટેસ્ટિંગ કિટ પણ નથી મળતી 

હોસ્પિટલ્સમાં મળતા અંગત બચાવ માટેના ઓછી ગુણવત્તા ધરાવતા સાધનો, કોવિડ-૧૯ના ટેસ્ટ માટેના કિટ પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ ના રહેતી હોવાના મુદ્દે પણ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે. આઇસોલેશન વોર્ડમાં પૂરતી સુવિધાનો અભાવ, સંક્રમણને રોકવા તાલીમનો અભાવ સહિતના મુદ્દા પણ ઉઠાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન