• ગુજરાતમાં આ 5 ધોધની મજા માણો

  • ચોમાસામાં ફરવા માટેની અદભૂત જગ્યાઓ
  • પરિવાર સાથે નિહાળો કુદરતી સોંદર્ય

હાલ દેશભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે ચોમાસામાં ઘણા લોકો ફરવા જવાનો પ્લાન પણ કરતા હોય છે. તો શું તમે પણ ચોમાસામાં કોઈ જગ્યા પર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો? ગુજરાતમાં એવી ઘણી જગ્યાઓ આવેલી છે કે જ્યાં તમે ચોમાસામાં ફરવા જઈ શકો છો.

ચોમાસામાં ઘણા એવા ધોધ છે જ્યાં તમે જઈને આહ્લાદક દ્રશ્યો જોઈ શકો છો. હાલ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે આ વરસાદી માહોલમાં તમે તમારા પરિવાર સાથે ગુજરાતમાં જ અનેક ઘણા ધોધની મુલાકાત લઇ શકો છો. આ ધોધ પર તમે કઈ રીતે પહોંચી શકો છો. કયા કયા ધોધની મુલાકાત લઇ શકો છો. સાથે જ તેની આસપાસ પણ કઈ જગ્યાની મુલાકાત લઇ શકો છો આ તમામ માહિતી તમને સંદેશ ન્યૂઝના ખાસ અહેવાલમાં જાણવા મળી રહેશે.

ગુજરાતમાં વિવિધ જળધોધની મુલાકાત લો

ભૌગોલિક વિવિધતા તેમજ કુદરતી લાક્ષણિકતાને કારણે ગુજરાતમાં વિવિધ જળધોધ આવેલાં છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે લોકો ધોધ તેમજ ચારેબાજુ કુદરતની હરિયાળીનો અનેરો નજારો જોવા માટે પરિવાર સાથે ફરવા જવાનું વિચારતા હોય છે.

જમજીર ધોધ, ગીર સોમનાથ

ગીર જંગલમાં કોડીનાર નજીક જામવાળા પાસે આ મનમોહક જમજીર ધોધ આવેલો છે. ગીરના જંગલમાંથી નિકળતી શિંગોડા નદી પર આવેલા જમજીર ધોધનું સૌંદર્ય માણવું તે એક લ્હાવો છે. વરસાદી માહોલ શરૂ થતાની સાથે જ અહીં પર્યટકોની સંખ્યા પણ વધવા લાગે છે. ૩૦ ફૂટની ઊંચાઈથી પડતી જળરાશિનો કુદરતી નજારો નિહાળવા વિવિધ સ્થળોએથી પર્યટકો આવે છે અને નિહાળીને દંગ બની જાય છે. જમજીર ધોધને ગીરનો “નાયગ્રા ધોધ” તરીકે પણ લોકો ઓળખે છે.

ઝરવાણી ધોધ, નર્મદા

સાતપુડાની ગિરિમાળા વચ્ચે આવેલું ઝરવાણી સહેલાણીઓમાં અતિ લોકપ્રિય સ્થળ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 12 કિમીના નજીક અને શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યની અંદર આવેલો ઝરવાણી ધોધ તેના પ્રાકૃતિક સૌંદર્યને કારણે સહેલાણીઓમાં લોકપ્રિય છે. ઝરવાણી ધોધના ઝરણાનું પાણી એટલું ચોખ્ખું છે કે, પાણીના તળિયે તરતી નાની માછલીઓ પણ જોઇ શકાય છે. આ સ્થળનું અપ્રતિમ સૌંદર્ય પર્યાવરણ સાથેની તમને જોડે છે. લીલાછમ જંગલની વચ્ચે આવેળ આ ધોધના ઝરણાના પ્રવાહમાં થાકેલા તન-મનને આહલાદક અનુભૂતિ થાય છે.

ત્રંબક ધોધ, ભાવનગર

ત્રંબક ધોધ ભાવનગરથી 24 કિમીના અંતરે ત્રંબક ગામમાં એક નાનકડા પહાડ પર આવેલો અદભૂત ધોધ છે જે નાના જંગલથી ઘેરાયેલો છે. તે લગભગ 30 ફૂટની ઊંચાઈથી નીચે આવે છે અને જમીન સાથે અથડાતાં કુદરતી પૂલ બનાવે છે. શાંત વાતાવરણ, ઉછળતા પાણીનો ગર્જના કરતો અવાજ, લીલીછમ હરિયાળી, ખડકાળ ટેકરીઓ અને એકાંત પ્રકૃતિ તેને ભાવનગરના લોકો તેમજ પ્રવાસીઓ માટે તેમના ભાવનગર પ્રવાસ દરમિયાન એક લોકપ્રિય પિકનિક સ્થળ બનાવે છે.

ખૂણિયા મહાદેવ ધોધ, પાવાગઢ

યાત્રાધામ પાવાગઢ ખાતે વર્ષા ઋતુની સિઝનમાં ધોધ વહેતો હોય છે આ ધોધ ખૂણિયા મહાદેવના ધોધ તરીકે પ્રખ્યાત છે. પાવાગઢ મેઇન રોડથી જંગલમાં ૩ કિમી ચાલીને ખૂણિયા મહાદેવ ધોધ સુધી પહોંચી શકાય છે. પાવગઢના દર્શને આવેલા શ્રદ્ધાળુઓ મહાકાળી માતાજીના દર્શન સાથે પ્રકૃતિનો આનંદ માણી શકે છે.

ઝાંઝરી ધોધ, દહેગામ

વાત્રક નદી પર આવેલ આ ઝાંઝરી વોટરફોલ પ્રવાસીઓને પોતાની સુંદરતાથી આકર્ષે છે. દહેગામથી થોડેક આગળ જતાં આ વોટરફોલ આવે છે, જ્યાં તમે પ્રાકૃત્તિક સૌંદર્યની મજા માણી શકો છો. સાથે જ ફોટોગ્રાફી માટે પણ આ સ્થળ પ્રખ્યાત છે. સાથે જ અહીં પ્રવાસીઓ માટે કેમલ રાઇડ પણ ઉપલબ્ધ છે. અમદાવાદ-નરોડાથી લગભગ ૨૦ કીમી દુર અને ગુજરાતના પાટનગર ગાંધીનગરથી ૨૫ કીમી દુર આ સ્થળ આવેલું છે. 

  • Follow us on: