• સોલો ટ્રીપ પર જવાની બેસ્ટ જગ્યા

  • જ્યાં સોળે કળાએ ખીલી ઉઠે છે પ્રકૃતિ
  • વન ડે પિકનિક અને એડવેન્ચર માટેની બેસ્ટ જગ્યા

હાલ દેશભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે અનેક લોકો આ ચોમાસાની સિઝનમાં ફરવા જવાનો પ્લાન કરતાં હોય છે. તો શું તમે પણ કોઈ જગ્યાએ ફરવા જવા માટે પ્લાન કરી રહ્યા છો? તો ગુજરાતમાં આવેલું છે એક એવું નયનરમ્ય પ્રાકૃતિક સૌદર્યથી ઘેરાયેલું સ્થળ જ્યાં તમે ફેમિલી સાથે પણ ફરવા જઇ શકો છો સાથે જ જો તમે કોઈ સોલો ટ્રીપ પર જવાનો પ્લાન કરી રહ્યા હોય તો તેના માટે પણ આ શ્રેષ્ઠ સ્થળ છે.

પોલો ફોરેસ્ટ એટલે ગુજરાતનું મસુરી

ગુજરાતમાં આવેલું પોલો ફોરેસ્ટ જેને ગુજરાતનું મસુરી પણ માનવામાં આવે છે. પોલોનું જંગલ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં ઈડરથી વિજયનગર જવાના રસ્તે આવેલું છે. તે હિંમતનગરથી 70 કિમી અને અમદાવાદથી 150 કિમીના અંતરે છે. આ જંગલની વચ્ચે થઇને હરણાવ નદી વહે છે. જેના પર એક મોટો બંધ અને અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે.

પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે

પોલોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો. બારેય મહિના તમે પોલોના જંગલોમાં આવી શકો છો. ચોમાસામાં આપ અહીં આવશો તો આપને પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે. જેને જોઇને આપનું મન પણ પ્રકુલિત થઈ જશે.

વર્ષો જૂના પૌરાણીક શિવ અને જૈન મંદીરોના સમુહ

નયનરમ્ય પ્રાકૃતિક સૌદર્ય અહીં છલોછલ ભરેલુ છે. ડુંગરો અને લીલા છમ વૃક્ષો મન મોહી લે છે. 400 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલ જંગલ માણવા જેવુ છે. અહીં હજારેક વર્ષ જૂના પૌરાણીક શિવ અને જૈન મંદીરોના સમુહ આવેલા છે. ખાસ કરીને જંગલની વાત કરવામાં આવે તો, 450 પ્રકારના ઔષધિઓ છે. તો પોણા ત્રણસો પ્રકારના પંખીઓની કોલાહલ અહીં થતી હોય છે.

પોલોના જંગલમાં તમે શું જોઈ શકો છો?

પોલોના જંગલમાં રીંછ, ઝરખ, દીપડા જોવા મળે છે. ત્રીસેક પ્રકારની સસ્તન પ્રાણીઓનુ આ ઘર છે. આ ઉપરાંત પોળોના જંગલમાં 32 પ્રકારના સરીસૃપો પણ વસે છે. સાથે જ પોલો ફોરેસ્ટ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે આવેલુ સ્થળ છે.

મારવાડ અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર

આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદીરો મળી આવેલા છે. આ મંદીરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે. પોળ એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ 'પ્રવેશદ્વાર' થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ મારવાડ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે.

જાજરમાન ઇકોટુરિઝમની સુંદરતાનો અનુભવ

પોલો ફોરેસ્ટમાં તમે દરેક ઋતુમાં જાજરમાન ઇકોટુરિઝમની સુંદરતાનો અનુભવ કરી શકો છો. પરંતુ મોટાભાગના પ્રવાસીઓ ચોમાસા અને શિયાળામાં - ઓગસ્ટ અને ફેબ્રુઆરી વચ્ચે પ્રવાસ કરવાનું પસંદ કરે છે. આ તે સમય છે જ્યારે વન હરિયાળી તેની ટોચ પર હોય છે અને નદી પાણીથી છલકાતી હોય છે. આખું વર્ષ સરેરાશ તાપમાન મધ્યમ રહે છે; ઉનાળામાં લગભગ 38 ડિગ્રી અને શિયાળા દરમિયાન 27 ડિગ્રી, જેથી તમે કોઈપણ સિઝનમાં તમારી મુલાકાતનું આયોજન કરી શકો.

કેવી રીતે પહોંચવું પોલો ફોરેસ્ટ?

પોલો ફોરેસ્ટ અમદાવાદથી લગભગ 150 કિલોમીટર દૂર આવેલું છે જ્યાં ખાનગી કાર દ્વારા લગભગ ત્રણ કલાક લાગે છે.સ્ જો તમારી પાસે ખાનગી વાહન નથી, તો તમે ઇડર સુધી સાર્વજનિક વાહનવ્યવહાર કરી શકો તે શ્રેષ્ઠ છે; જે અમદાવાદથી 115 કિલોમીટર દૂર છે. અને પછી પોલો ફોરેસ્ટ માટે ખાનગી ઓટો અથવા ટેક્સી ભાડે કરો.


  • Follow us on: