એકવીસમી સદીના ચૂંટણી પંચતંત્રની દુર્બોધ કથા! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • એકવીસમી સદીના ચૂંટણી પંચતંત્રની દુર્બોધ કથા!

એકવીસમી સદીના ચૂંટણી પંચતંત્રની દુર્બોધ કથા!

 | 3:31 am IST
  • Share

રિવરફ્રન્ટની પાળેથી :-  હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

હિંદી વ્યંગ સાહિત્યના અત્યંત લોકપ્રિય વ્યંગ કવિ પ્રદીપ ચૌબેની એક કવિતા ચૂંટણી અને ચૂંટણી પંચને સાદર અર્પણ!

‘ચુનાવ પ્રચાર પર આએ

નેતાજીને

એક બૂઢે સે કહા –

ગાંવ મેં

કિતને આદમી હોંગે?

બૂઢા બોલે –

એક ભી નહીં!

વે બોલે –

ક્યા બકતે હો

પિછલે સાલ કી

સૂચી મેં

તો પાંચ હજાર લિખે હૈં!

બૂઢા બોલા –

વે ‘આદમી’ નહીં

સિર્ફ વોટર હૈં,

વો ભી અંધે, ગૂંગે, બહરે

તભી તો આપ સત્તા મેં ઠહરે

અગર યે

સચમુચ આદમી હોતે

તો આપકો કુરસી પર

બિઠાતે નહીં

સૂલી પર ટાંગતે,

આજ જિસ મુંહ સે આપ

વોટ માંગ રહે હૈં

ઉસી સે પ્રાણોં કી ભીખ માંગતે.

હમણાં એક સજ્જન મળ્યા. આકાશ સામે જોઈને અમને જણાવી રહ્યા’તા, કે “મારું માનવું છે ત્યાં સુધી આપણા દેશને આઝાદ થયે ૭૩ વર્ષ થઈ ગયાં…” એમની વાતને ટેકો આપતાં અમે કહ્યું, “અમારું પણ એવું જ માનવું છે કે ૭૩ વર્ષ ચોક્કસ થઈ ગયાં હશે.” મારો પ્રતિસાદ સાંભળ્યો ન સાંભળ્યો કરીને એમણે પોતાની રેકર્ડ ચાલુ રાખી. એટલે અમને થયું કે આ પુખ્તવયનો કોઈ રાજકારણી લાગે છે. બહારથી સજ્જન લાગતી વ્યક્તિ અંદરથી રાજકારણી નીકળે છે ત્યારે રાજકારણ સોળે કળાએ ખીલી ઊઠયું હોય એવું લાગે છે. મિત્રો, આ પેરેગ્રાફની પ્રથમ લીટીનો જે ત્રીજો શબ્દ અમારાથી લખાઈ ગયો છે, એ વિવેકવશ કે સભ્યતાવશ લખાઈ ગયો છે એમ સમજજો. એ શબ્દની અર્થચ્છાયામાં જશો નહીં, નહીંતર અટવાઈ જશો.

અબ્રાહમ લિંકને પોતાની બાયોગ્રાફીમાં લખ્યું છે : Mature politician is the backbone of Democracy. આનો અર્થ એ થયો કે રાજકારણી મેચ્યોર હોવો જોઈએ, માત્ર એડલ્ટ હોય એ પૂરતું નથી. જો કે આપણે ત્યાં તો જેટલું મહત્ત્વ પુખ્તવયને કે પુખ્તતાને અપાય છે એટલું મહત્ત્વ પરિપક્વતાને નથી અપાતું, પુખ્તતા સામે પરિપક્વતાની કલ્પના એ માત્ર પરિકલ્પના છે. અમેરિકાની લોકશાહીમાં મેચ્યોરિટીને મોટામાં મોટી લાયકાત માનવામાં આવે છે. આપણી લોકશાહી આવી સંકુચિતતામાં માનતી નથી. એને તો પુખ્તતા સાથે જ સીધો સંબંધ છે. નેતા મેચ્યોર નહીં હોય તો ચાલશે, એડલ્ટ હોવો જોઈએ. એને વાંચતાં-લખતાં નહીં આવડતું હોય તો ચાલશે, ગોડફાધર સમજાવે એ રીતે સમજી જતાં આવડે તો ભયો ભયો! માથાં મહત્ત્વના છે, બ્રેઇન નહીં!

કોરાના આજે માતેલા સાંઢની જેમ બેફામ થઈને વકરી રહ્યો છે એ માટે, થોડા દિવસ પહેલાં મદ્રાસ હાઇકોર્ટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યું છે. આ સમાચાર જાણી પંચના કેટલાક અધિકારીઓ તો એવા ગેલમાં આવી ગયા છે કે જોયું… આ કોરોનાકાળમાં કેટલાક નેતાઓ અને કેટલાક અધિકારીઓ સાવ બેજવાબદાર બની ગયા છે એવા સંજોગોમાં હાઇકોર્ટે અમને ભલે આ બાબતે તો આ બાબતે પણ જવાબદાર તો કહ્યા! અમે જવાબદાર છીએ એવું તો સ્વીકાર્યું! હવે તમે જ કહો સાહેબ, રાજકારણ તો રાજકારણ વહીવટીક્ષેત્રે પણ બ્રેઇનની વેલ્યૂ છે કે માથાંની? હાઇકોર્ટે પછી જે વાત કરી, એના પર પંચના આ અધિકારીઓનું ધ્યાન ગયું હોય એમ લાગતું નથી. હાઇકોર્ટે એવી પણ ટકોર કરી કે આવી કપરી પરિસ્થિતિના નિર્માણ માટે ચૂંટણી પંચ સામે હત્યાનો કેસ નોંધવો જોઈએ.

જોકે હત્યા એટલે શું અને હત્યા કોને કહેવાય એની કદાચ ચૂંટણી પંચને બીચારાને ખબર નહીં હોય. સત્તાધારી પક્ષના એક કર્મઠ ભક્તવર્યનું આ બાબતે એવું કહેવું છે કે અમારું ચૂંટણી પંચ એટલું માસૂમ છે કે એણે કરેલી ભૂલ પણ ફૂલ જેવી માસૂમ હોય! જેમ નાનું બાળક કહ્યાગરું હોય એમ અમારું પંચ પણ કહ્યાગરું છે. હા, ક્યારેક તોફાની બાળકની જેમ હઠ કરે અને કોર્ટનું કહ્યું નહીં માનીને કોરોનાની ગાઇડલાઇનનું પાલન નહીં કરવા જેવું તોફાન કરી બેસે તો એનો અર્થ એવો નહીં કે એ ખરેખર અવળચંડુ છે. ના, અમારું ચૂંટણી પંચ સહેજ પણ અવળચંડુ નથી.

આ સંદર્ભે સત્તાકાંક્ષી પક્ષના એક પરમભક્તશ્રીએ વળતો એવો સવાલ કર્યો કે ‘તો પછી તમારા ચૂંટણી પંચને હાઈકોર્ટે ઠપકો કેમ આપ્યો? જો પંચે પોતાની ગરિમાને ગીરે ન મૂકી હોત તો આવો ઠપકો સાંભળવો પડે? પંચે પોતાની ફરજોનું પાલન કરવાનું હોય, રાતદા’ડો ખુશામત કરવાની ના હોય, સમજ્યા? સત્તાધારી પક્ષના પેલા કર્મઠ ભક્તવરે તરત જ ભક્તિભાવ પ્રગટાવ્યો : ‘પંચની ગરિમા તો તમારા શાસનકાળમાં જેટલી હદે નમસ્કાર કરતી થઈ હતી એટલી હદે અમે પહોંચ્યા નથી એટલે અમને તતડાવ્યો છો’લ્યા? પણ યાદ રાખો, દરેક ક્ષેત્રે નંબર વન રહેવાનો અમારો રેકોર્ડ છે, એને અમે કોઈપણ ભોગે આગળ વધારતા જ રહેવાના છીએ. પ્રગતિ અને વિકાસ કોને કહેવાય એની તો ગતાગમ નથી અને હાલી નીકળ્યા છે અમારા આજ્ઞાંકિત એવા ચૂંટણી પંચની ફરિયાદ કરવા…

પરસ્પર વિરોધી ભાવ ધરાવતા બંને પક્ષોના ગોડફાધરો એકબીજા સાથે બેસીને ચા-નાસ્તો કે લંચ-ડિનર લઈ શકતા હોય છે, પણ એમના ભક્તો તો જાણે કયો હિમાલય પહાડ જીતવાનો હોય એમ, એકબીજાના કટ્ટર બનીને એકબીજા સામે ઘુરકિયાં કરતા હોય છે. આવાં ઘુરકિયાં જનતા માટે મનોરંજનનું કામ કરે છે. રાજકારણની આ કરુણતા છે. આ સંદર્ભે ન્યુ ચાણક્યનું અવળ નીતિશાસ્ત્ર યાદ આવે છે. એમાં એણે કહ્યું છે કે રાજકારણની કરુણતા જ્યારે જનતા માટે રમૂજ બની જાય છે ત્યારે એ કરુણતા જનતાને ભારે પડી જાય છે. અને રાજકારણને હલકું  પાડી દે છે. ‘હલકું’ હોવું અને  ‘હળવું’ હોવું એમાં ફરક છે સાહેબ!

કેટલાક સત્તાભક્તો ચૂંટણી પંચને નાના બાળક જેવું આજ્ઞાંકિત સમજીને ચૂંટણી પંચનો બચાવ કરતા હોય છે. જોકે અમનેય એવું લાગે તો છે કે આજ્ઞાંકિત હોવું એ કાંઈ ખોટું નથી. પતિ જ્યારે પત્નીનો આજ્ઞાંકિત બને છે ત્યારે એટલું આશ્ચર્ય નથી થતું જેટલું આશ્ચર્ય, પતિ જ્યારે પોતાની પત્નીનો આજ્ઞાંકિત બને છે, ત્યારે થાય છે. ચૂંટણી પંચ આટલું કહ્યાગરું હોય, આટલું આજ્ઞાંકિત  હોય એ કોઈપણ સત્તાધરની પાર્ટી માટે સંજીવનીકર્મ કરતું  હોય છે.

સત્તાધારી પક્ષના કટ્ટર ભક્તની પંચભક્તિનો વળતો જવાબ આપતાં પેલા ‘વિ’ભક્તે પોતાની ‘વિ’ભક્તિ પ્રકટ કરી :  ‘અરે જા… જા… આયો મોટો ચૂંટણી પંચની ખુશામત કરવા વાળો… કેટકેટલીવાર હાઇકોર્ટોએ એને  ટકોર્યું, અરે સુપ્રિમ કોર્ટે પણ એને ઠમઠોર્યું તોય એને તો જાણે કોઈ અસર જ નહીં? તું એને આજ્ઞાંકિત કહે છે એ તારી મોટાઈ છે, ભલે તું ભૂલથી એવું બોલી ગયો, પણ એણે અમુકની જ આજ્ઞા પાળવાની? કોર્ટની કોઈ આમન્યા જ નહીં જાળવવાની? શું એને કોઈ નીતિનિયમ, કાયદાકાનૂન કે આચાર સંહિતા નડતાં જ નથી?’

“ખબરદાર, બર્ખુરદાર… જો હવે એક પણ શબ્દ અમારા સન્માનનીય ચૂંટણી પંચ વિશે બોલ્યો છે તો? તમે લોકોએ, અમારા ચૂંટણી પંચને હજુ ઓળખ્યું નથી એટલે આમ એલફેલ બોલો છો…”

“અરે જવા દે… જવા દે… તારા ચૂંટણી પંચને અમે ક્યારનુંય ઓળખી લીધું છે.”

“નથી ઓળખ્યું બોસ, નથી ઓળખ્યું! જો હું તને ઓળખાવું, અમારું ચૂંટણી પંચ આત્મા જેવું પવિત્ર છે. જે રીતે આત્માને જળ, વાયુ કે અગ્નિ સ્પર્શી શકતાં નથી એમ એને કોઈ કાયદાકાનૂન સ્પર્શી શકતા નથી. જેમ આત્માને બાળી શકાય નહીં, એમ ચૂંટણી પંચને ટાળી શકાય નહીં, આત્માનું અસ્તિત્વ મરતું નથી અને ચૂંટણી પંચ સત્તાપક્ષ સિવાય કોઈનાયથી ડરતું નથી. આત્માને કાપી શકાય નહીં, એમ અમારા ચૂંટણી પંચના કર્મને માપી શકાય નહીં. આત્મા માટે કહેવાયું છે કે  ‘આત્મા સો પરમાત્મા’ એમ અમારા ચૂંટણી પંચ માટે પણ ‘સત્તાહિતોપનિષદ’ માં કહેવાયું છે કે ‘ચૂંટણી પંચ – પરમેશ્વર!’ માટે જ અમે કહીએ છીએ કે આત્મા વગરના ખોળિયાની કોઈ કિંમત નથી, એમ અમારા ચૂંટણી પંચ વગરના ચૂંટણી પ્રચારની કોઈ કિંમત નથી. ચૂંટણી પંચ તો અમારો સત્તાપ્રાણ છે, અમારો સત્તાત્મા છે, સત્તાત્મા! જાઓ, પહલે આત્મા કી પહેચાન લે કે આઓ, ફિર હમારે ચુનાવ પંચાત્મા કી પહેચાન માંગો…”

ચૂસકી :

યક્ષ : પાંચમું વિશ્વયુદ્ધ થાય તો શું થાય?

યુધિષ્ઠિર : ‘ઇતિહાસ’માં એક પ્રકરણવધે!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન