UEFA EURO 2020 Month-Long European Football Championship
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Football
  • 11 દેશની યજમાની વચ્ચે આજથી યૂરો 2020 કપ

11 દેશની યજમાની વચ્ચે આજથી યૂરો 2020 કપ

 | 7:00 am IST
  • Share

ફિફા વર્લ્ડ કપ બાદ વિશ્વની સૌથી વધુ લોકો નિહાળતા અને લોકપ્રિય ફૂટબોલ યૂરો કપ ૨૦૨૦નો ૧૧મી જૂનથી (૧૨મીએ વહેલી સવારે ૧૨:૩૦ વાગ્યે) પ્રારંભ થઇ રહ્યો છે. ટાઇટલ મુકાબલો ૧૧મી જુલાઇ રમાશે. ઓલિમ્પિકની જેમ પ્રત્યેક ચાર વર્ષે રમાતી આ ટૂર્નામેન્ટ ગયા વર્ષે યોજાવાની હતી, પરંતુ કોરોના વાઇરસની મહામારીના કારણે તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. ૨૪ ટીમોમાં પોર્ટુગલ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને ૨૦૧૬માં તેણે યજમાન ફ્રાન્સને ૧-૦થી હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. યૂરો કપના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ જર્મની અને સ્પેન છે. આ બંને ટીમે ત્રણ-ત્રણ વખત યૂરો કપ જીત્યો છે. યૂરો કપની ૧૬મી સિઝનમાં અત્યાર સુધી કુલ ૧૦ ટીમો ચેમ્પિયન બની છે. સ્પેનની ટીમ એકમાત્ર એવી છે જેણે સતત બે વખત ટાઇટલ જીત્યું હતું. સ્પેને ૨૦૦૮ અને ૨૦૧૨માં યૂરો કપ જીતીને ફૂટબોલ જગતમાં પોતાનો દબદબો મેળવ્યો હતો. યૂરો કપના ઇતિહાસમાં પ્રથમ વખત ૧૧ દેશ સંયુક્ત રીતે આ વખતે ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યા છે. તમામ ૨૪ ટીમોને ૪-૪ના છ ગ્રૂપમાં સ્થાન અપાયું છે. પ્રત્યેક ગ્રૂપની ટોપ-૨ ટીમ પ્રી-ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થશે અને તમામ ગ્રૂપની ત્રીજા ક્રમે રહેલી ટોપ-૪ ટીમ રાઉન્ડ ઓફ ૧૬માં પ્રવેશ કરશે. સેમિફાઇનલ અને ફાઇનલ લંડનના વેમ્બ્લી સ્ટેડિયમ ખાતે રમાશે.

૨૦૧૬માં ફ્રાન્સ ખાતે રમાયેલા યૂરો કપની છેલ્લી સિઝનમાં પ્રથમ વખત ૨૪ ટીમોએ ભાગ લીધો હતો. આ પહેલાં ૧૬ ટીમો જ રમતી હતી. યૂરો કપ માટે ક્વોલિફાય થનાર ૨૪ ટીમમાં બેલ્જિયમ, ઇટાલી, રશિયા, પોલેન્ડ, યુક્રેન, સ્પેન, ફ્રાન્સ, તુર્કી, ઇંગ્લેન્ડ, ચેક રિપબ્લિક, ફિનલેન્ડ, સ્વીડન, ક્રોએશિયા, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ્સ, જર્મની, પોર્ટુગલ, સ્વિટ્ઝર્લેન્ડ, ડેનમાર્ક, વેલ્સ, નોર્થ મેસિડોનિયા, હંગેરી, સ્લોવાકિયા અને સ્કોટલેન્ડનો સમાવેશ થાય છે. આગામી લગભગ એક મહિના સુધી જર્મની, સ્પેન, ફ્રાન્સ અને પોર્ટુગલ ઉપર પૂરા વિશ્વની નજર રહેશે. જોકે ક્રોએશિયા, ઇંગ્લેન્ડ, રશિયા તથા યુક્રેનને દાવેદાર ટીમમાંથી બહાર કરી શકાય તેમ નથી.

હવે કોરોનાના કારણે ત્રણના બદલે ૫ સબસ્ટિટયૂટ મળશે

૨૦૨૧ના માર્ચ મહિનામાં યુઇએફએની એક્ઝિક્યુટિવ સમિતિની બેઠકમાં કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને મેચમાં ત્રણના બદલે પાંચ સબસ્ટિટયૂટ આપવાનો નવો નિયમ અમલમાં મૂક્યો છે. આ કારણથી ખેલાડીઓ ઉપરનું દબાણ હળવું થશે. આ સાથે એક્સ્ટ્રા ટાઇમમાં એટલે કે ફૂલ ૯૦ મિનિટના સમય બાદ છઠ્ઠા સબસ્ટિટયૂટનો ઉપયોગ કરી શકાશે. જોકે ટીમોે ફુલટાઇમ સુધી સબસ્ટિટયૂશનમાં માત્ર ત્રણ ખેલાડી મળશે. ચોથો ખેલાડી એક્સ્ટ્રા ટાઇમમાં મળશે. ટીમોને ૨૬ ખેલાડીઓની જ મંજૂરી આપવામાં આવી છે. જોકે કોચ મેચ પ્લેયર્સ શીટમાં ૨૩ ખેલાડીઓનો જ ઉલ્લેખ કરશે.

મેચમાં ૧૧ સ્ટાર્ટિંગ અને ૧૨ સબસ્ટિટયૂટ ખેલાડી રહેશે. જો કોઇ ટીમના કેટલાક ખેલાડીઓને ઇમરજન્સીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવશે અને ત્યારબાદ ટીમ પાસે ૧૩ ખેલાડીઓ હાજર હશે તો મેચ રમાશે અને તેને રદ કરવામાં આવશે નહીં. કોરોનાના કારણે મેચ રમાશે નહીં તો યુઇએફએ એડમિનિસ્ટ્રેશન દ્વારા તમામ વિકલ્પને ધ્યાનમાં રાખીને ૪૮ કલાકમાં મેચ રમાડવામાં આવશે. જો મેચ રિશિડયૂલ નહીં થાય તો જે ટીમના કારણે મેચ રદ થઇ હશે તેને ૩-૦થી હારેલી જાહેર કરીને હરીફ ટીમને મહત્ત્વના પોઇન્ટ આપવામાં આવશે. આ પ્રકારના પોઇન્ટ છેલ્લે મહત્ત્વપૂર્ણ પણ સાબિત થઇ શકે છે. કોરોના વાઈરસની મહામારીમાં પણ સખત પ્રોટોકોલનો અમલ કરાવીને પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે.

૧૯૬૮ માં ઇટાલી અને સોવિયેત યુનિયનની સેમિફાઇનલ એક્સ્ટ્રા ટાઇમ સુધી ૦-૦ના સ્કોરથી સરભર રહી હતી અને વિજેતા ટીમ માટે ટોસનો સહારો લેવાયો હતો. આખરે ઇટાલી વિજેતા બની હતી. યૂરો કપમાં પ્રથમ અને છેલ્લી વખત ટોસનો સહારો લેવાયો હતો.

૦૯ યૂરો કપમાં ફ્રાન્સનો માઇકલ પ્લેટિની તથા પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સર્વાધિક ૯-૯ ગોલ નોંધાવ્યા છે. ઇંગ્લેન્ડના એલન શિરરે સાત ગોલ કર્યા હતા. હેનરી થિએરી, ઇબ્રાહિમોવિચ, પેટ્રિક ક્લૂવર્ટ, નૂનો ગોમેઝ તથા રુડી વાન નિસ્ટલરોય છ-છ ગોલ નોંધાવી ચૂક્યા છે.

૨૦૨૧માં રમાતો હોવા છતાં યૂરો ૨૦૨૦ નામ કેમ? કોરોના વાઈરસની મહામારી મુખ્ય કારણ

યૂરો ૨૦૨૦ કપનું આયોજન ગયા વર્ષે થવાનું હતું, પરંતુ કોરોના વાઇરસના કારણે તેને એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. જોકે આયોજન સમિતિએ તેને ચાલુ વર્ષે પણ યૂરો ૨૦૨૦ તરીકે જ રમાડવાનો નિર્ણય કર્યો હતો. ૧૯૬૦માં યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો હતો અને ૨૦૨૦ના વર્ષમાં તેના ૬૦ વર્ષ પૂરા થયાં હતાં. આ સ્થિતિમાં યુઇએફએ ટૂર્નામેન્ટ દ્વારા ઉજવણી કરવાનું હતું પરંતુ કોરોનાના કારણે શક્ય બન્યું નહોતું. આ ઉપરાંત કરોડો રૂપિયાની મર્ચન્ડાઇઝ વેડફાઇ ના જાય તે માટે યૂરો ૨૦૨૦ના નામથી રમાડવાનું પણ એક મુખ્ય કારણ છે.

૨૦૧૬ની ફાઇનલ ૨૮ કરોડ સમર્થકોએ નિહાળી હતી

ફિફા વર્લ્ડ કપ બાદ યૂરો કપ વિશ્વમાં સૌથી વધારે વખત નિહાળાતી ટૂર્નામેન્ટ છે. ૨૦૧૨ની ફાઇનલ સ્પેન અને ઇટાલી વચ્ચે રમાઇ હતી અને તેને વિશ્વભરમાં ૩૦ કરોડ લોકોએ નિહાળી હતી. ૨૦૧૬ની ફાઇનલને લગભગ ૨૮ કરોડ લોકોએ લાઇવ ટેલિકાસ્ટ દ્વારા નિહાળી હતી. આ યુરોપિયન ઇતિહાસની સૌથી વધારે વખત નિહાળવામાં આવેલી મેચ હતી. ૨૦૧૬માં ફ્રાન્સ ખાતે રમાયેલા યૂરો કપમાં ૧૬,૨૮૦ કરોડ રૂપિયાની રેવન્યૂ મળી હતી. જોકે આ વખતે ૨૦૨૦માં રેવન્યૂમાં વધારો થાય તેવી સંભાવના ઓછી છે.

૧૦ અત્યાર સુધી ૧૦ ટીમો ઓછામાં ઓછા એક વખત ચેમ્પિયન બની ચૂકી છે. જર્મની અને સ્પેને સર્વાધિક ત્રણ-ત્રણ વખત ટાઇટલ પોતાના નામે કર્યું હતું. સ્પેને સતત બે વખત ૨૦૦૮ અને ૨૦૧૨માં યૂરો કપ જીત્યો હતો.

૦૮ યૂરો કપમાં આઠ હેટ્રિક નોંધાઇ ચૂકી છે. ફ્રાન્સના પ્લેટિનીએ બે વખત ત્રણ-ત્રણ ગોલ કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ૬૧ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ૧૧ દેશ યૂરો કપની યજમાની કરી રહ્યા છે.

૧૯૬૦માં UEFA નેશન્સ કપના ટૂર્નામેન્ટ રમાતી હતી, ૧૯૬૮માં નામ બદલવામાં આવ્યું

વર્ષ ૧૯૬૦માં જ્યારે યૂરો કપ શરૂ થયો ત્યારે તે વખત ટૂર્નામેન્ટ યુરોપિયન નેશન્સ કપના નામે રમાતી હતી. ૧૯૬૮માં તેનું નામ બદલીને યુઇએફએ યુરોપિયન ચેમ્પિયનશિપ કરવામાં આવ્યું હતું. પ્રથમ સિઝનમાં માત્ર ચાર ટીમોએ ભાગ લીધો હતો. તેમાં ચેકોસ્લોવાકિયા, ફ્રાન્સ સોવિયત યુનિયન અને યુગોસ્લાવિયાએ ભાગ લીધો હતો. પ્રથમ એડિશનમાં સોવિયેત યુનિયનની ટીમ યુગોસ્લાવિયાને હરાવીને ચેમ્પિયન બની હતી. સ્પેને રાજકીય કારણોસર સોવિયેત યુનિયન સામેની ક્વાર્ટર ફાઇનલમાં રમવાનો ઇનકાર કરી દીધો હતો અને તેને ટૂર્નામેન્ટની બહાર કરી દેવામાં આવી હતી.

સ્ટાર આકર્ષણ : રોનાલ્ડો, મબાપે, લેવાન્ડોવસ્કી તથા હેરી કેન ઉપર તમામની નજર

પોર્ટુગલનો સુકાની ક્રિસ્ટિયાનો રોનાલ્ડો યૂરો કપમાં પોતાના ટાઇટલને બચાવવા માટે મેદાનમાં ઊતરશે અને તે પોતાની નેશનલ ટીમ તરફથી હાઇએસ્ટ ગોલ કરવાના રેકોર્ડની નજીક છે. તેને ટૂર્નામેન્ટ દરમિયાન ફ્રાન્સના મબાપે, પોલેન્ડના લેવાન્ડોવસ્કી, કેવિન ડી બ્રૂન, ઇંગ્લેન્ડના હેરી કેન જેવા ખેલાડી તરફથી મજબૂત પડકાર મળશે. હેરી કેને યૂરો ૨૦૨૦ના ક્વોલિફાઇંગમાં હાઇએસ્ટ ૧૨ ગોલ નોંધાવ્યા છે. ૨૦૧૫માં ઇંગ્લેન્ડ માટે પદાર્પણ કર્યા બાદ તે ૩૪ ગોલ નોંધાવી ચૂક્યો છે. ડી બ્રૂનની હાજરીના કારણે બેલ્જિયમ પણ અપસેટ સર્જી શકે છે.

૩૫ યુઇએફએના ૫૫ સભ્ય દેશ છે અને તેમાંથી ૩૫ દેશ ઓછામાં ઓછા એક વખત આ ટૂર્નામેન્ટમાં રમી ચૂક્યા છે. ઇટાલી સર્વાધિક ૧૩ વખત ટૂર્નામેન્ટમાં રમી છે. પાંચ વખત તે વેસ્ટ જર્મની અને આઠ વખત જર્મનીના નામે રમ્યું હતું. રશિયાને ૧૨ વખત તક મળી છે.

૦૬ ફ્રાન્સનો એન્ટોની ગ્રીઝમાન સુપરસ્ટાર ખેલાડીઓની યાદીમાં સામેલ છે. તેણે યૂરો કપની છેલ્લી સિઝનમાં હાઇએસ્ટ છ ગોલ નોંધાવ્યા હતા અને તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવ્યો હતો. પોર્ટુગલ ફ્રાન્સ માટે સૌથી મોટો પડકાર રહેશે.

૧૯૭૬ સુધી ચાર-ચાર ટીમોનો સિલસિલો ચાલુ રહ્યો હતો, ૨૦૧૬માં ૨૪ ટીમો રમી

ઇંગ્લેન્ડ, વેસ્ટ જર્મની તથા જર્મની જેવી ટીમોએ પણ ૧૯૬૦માં ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. તે સમયે એવું લાગતું હતું કે આ ટૂર્નામેન્ટમાં ૧૬ ટીમોને ભેગી કરવી મુશ્કેલ છે. ૧૯૭૬ સુધી ચાર-ચાર ટીમોનો સિલસિલો જારી રહ્યો હતો. ૧૯૮૦માં પ્રથમ વખત ચાર ટીમોએ ભાગ લીધો હતો અને ૧૯૯૬માં તેની સંખ્યા ૧૬ની થઇ ગઇ હતી. ૨૦૧૬માં સૌથી વધારે ૨૪ ટીમોએ ભાગ લીધો હતો. આ રીતે ટૂર્નામેન્ટની લોકપ્રિયતા વધી હતી અને યૂરો ૨૦૨૦ કપમાં ૨૪ ટીમો ભાગ લઇ રહી છે. કોરોનાના કારણે આ વખતે ટૂર્નામેન્ટમાં કેટલાક નિયમો પણ બદલાયા છે.

ફૂટબોલનું પાવરહાઉસ હોવા છતાં ઇંગ્લેન્ડ ક્યારેય ચેમ્પિયન બન્યું નથી

ઇંગ્લેન્ડનું યૂરો કપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૧૯૬૮માં રહ્યું હતું. તેણે સોવિયેત યુનિયનને ૨-૦થી હરાવીને ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું. ઇંગ્લેન્ડ પણ દાવેદાર ટીમમાં સામેલ છે પરંતુ વર્લ્ડ કપ જેવા મોટા મુકાબલામાં તે ચોકર સાબિત થાય છે. ૨૦૧૮ના ફિફા વર્લ્ડ કપમાં પણ તે ચોથા ક્રમે રહી હતી. ઇંગ્લેન્ડ ૧૯૬૪, ૧૯૭૨, ૧૯૭૬ તથા ૨૦૦૮માં ક્વોલિફાય કરી શક્યું નહોતું. ૧૯૯૬ના યૂરો કપની સેમિફાઇનલમાં જર્મનીએ પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લેન્ડને ૬-૫થી હરાવ્યું હતું.

૩,૩૦૦ કરોડ રૂપિયાની પ્રાઇઝ મની

યુઇએફએના અનુસાર ૧૯૬૦માં પ્રથમ ફાઇનલ જીત્યા બાદ સોવિયેત યુનિયનના તમામ ૧૭ ખેલાડીઓને ૨૦૦ ડોલર એટલે કે કુલ ૩૪૦૦ ડોલરની પ્રાઇઝ મની આપવામાં આવી હતી. આ રકમ લગભગ ૨.૫ લાખ રૂપિયા જેટલી હતી. લોકપ્રિયતા વધવાની સાથે ટૂર્નામેન્ટમાં પ્રાઇઝ મની પણ વધારવામાં આવી છે. યૂરો ૨૦૨૦માં ચેમ્પિયન બનનાર ટીમને ૩૩૦૦ કરોડ રૂપિયાની જંગી રકમ આપવામાં આવશે. ૧૯૬૦ની સરખામણીમાં આ ૧૩૦૦ ગણી વધારે રકમ છે. આ વખતે વિજેતા ટીમને ૮૮ કરોડ રૂપિયા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન