અમદાવાદના નરોડામાં વેદિકા મેટરનીટી હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસ કરી હતી જેમાં સામે આવ્યું કે હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.ત્યારે અધિકારી દ્રારા સોનોગ્રાફી મશીન સિલ કરવામાં આવ્યું છે.હોસ્પિટલમાં લિંગ પરીક્ષણ કરતા હોવાનું સામે આવતા લેવાયા ડોકટર સામે પગલા લેવામાં આવ્યા છે,સાથે સાથે 35 હજારનો દંડ ફટકારી કાયદેસર કાર્યવાહી શરૂ કરાઈ છે.
ગર્ભ પરીક્ષણ કસોટી નિયમન અને તેનો દુરુપયોગ અટકાવવા માટેનો કાયદો
1994'ની કલમ-3 પ્રમાણે `નોંધાયેલ આનુવંશિક સલાહકાર કેન્દ્ર' અથવા `આનુવંશિક પ્રયોગશાળા' અથવા `આનુવંશિક ક્લિનિક' સિવાય ગર્ભ પરીક્ષણ થઈ શકશે નહીં. આ કાયદામાં એ પણ શરત છે કે કોઈ પણ જન્મ પહેલાંનું પરીક્ષણ `જણાવેલ અસામાન્યપણાને શોધવાના હેતુ સિવાય હાથ ધરાશે નહીં. અસામાન્યપણામાં ક્રોમોસોમલ એબનોર્માલિટી (અસ્વાભાવિક્તા), આનુવંશિક ધાતુ તત્ત્વની ખામી, હિમોગ્લોબીનોપેશીઝ, લિંગસંબંધી આનુવંશિક ખામીઓ, લોહીની વધુ જમાવટ, અન્ય કોઈ અસ્વાભાવિકતા (વિચિત્રતા અથવા ખામી) નો સમાવેશ થાય છે.
ગર્ભવતી સ્ત્રીની ઉંમર 35 વર્ષથી ઉપરની હોવી જોઈએ
કોઈ પણ જન્મ પહેલાંનું પરીક્ષણ તકનીક તેવું કરવા માટે લાયકાત ધરાવનાર વ્યક્તિ નીચેની કોઈ પણ શરતો સંતોષાતી હોવાનાં કારણો `લેખિતમાં લખે' નહીં ત્યાં સુધી ઉપયોગ અથવા હાથ ધરશે નહીં. જેમ કે, (1) ગર્ભવતી સ્ત્રીની ઉંમર 35 વર્ષથી ઉપરની હોવી જોઈએ, (2) ગર્ભવતી સ્ત્રીને બે અથવા વધુ વખત પ્રાકૃતિક ગર્ભપાત અથવા કસુવાવડ થયેલી હોય, (3) કોઈ સગર્ભા સ્ત્રી એવું પ્રગટ કરે કે જે કેટલાક ભ્રૂણને હાનિકર્તા ડીફોર્મેટિવ સ્વરૂપના પદાર્થ હોય જેવા કે ડ્રગ્સ, રેડિએશન, ચેપ અથવા કોઈ રસાયણો (4) સગર્ભા સ્ત્રી અથવા તેણીનાં લગ્નસાથીના કુટુંબની હિસ્ટ્રીમાં માનસિક રીતે નિવૃત્તિ અથવા શારીરિક ઊણપો જેવી કે તાણ આવવી અથવા કોઈ આનુવંશિક રોગ. એવી પણ જોગવાઈ છે કે જે વ્યક્તિ સગર્ભા સ્ત્રીની અલ્ટ્રા સોનોગ્રાફી કરતો હોય તેણે પોતાના ક્લિનિકમાં આવા પ્રકારનો સંપૂર્ણ રેકર્ડ રાખવાનો રહેશે, જે નક્કી કરાયેલ છે અને તેમાં કોઈ પણ ખામી અથવા અનિયમિતતા જોવા મળશે તો તે કલમ-5 અને કલમ-6ની જોગવાઈથી વિરુદ્ધનું ગણવું જોઈએ.
મહિલાઓને આ બાબતે સમજાવવું જોઈએ
આ કાયદાની કલમ-5 પ્રમાણે ગર્ભ પરીક્ષણ કસોટી કરતાં પહેલાં ડૉક્ટરે ગર્ભવતી સ્ત્રીને આ કસોટીથી શક્ય સંભવિત આડઅસર વિશે જાણ કરવી બહુ જરૂરી છે અને મહિલા તે સમજી શકે તે ભાષામાં સમજાવવું અનિવાર્ય છે. મહિલાને તે જણાવ્યા અંગેની ગર્ભ પરીક્ષણ કરનાર તબીબે કાયદામાં જણાવેલા નિયત નમૂનામાં આ કસોટી કરવા માટે મહિલાની `લેખિત સંમતિ' લેવી જરૂરી છે.
નોંધણી વિના કરાય નહી ગર્ભ પરીક્ષણ
એટલે કે કોઈ પણ વ્યક્તિ આવી નોંધણી કરાવ્યા વિના ગર્ભ પરીક્ષણ કરવા માટે કોઈ કેન્દ્ર ખોલી શકતી નથી.આ કાયદા નીચે કોઈ પણ વ્યક્તિ, સંસ્થા અથવા કેન્દ્રને પોતાને ત્યાં `ગર્ભ પરીક્ષણ દ્વારા જાતિ નક્કી કરી આપવામાં આવશે' એવી કોઈ પણ સ્વરૂપમાં જાહેરાત કરવા પર પ્રતિબંધ મૂકેલો છે. જો કોઈ પણ વ્યક્તિ પ્રતિબંધ હોવા છતાં જાહેરાત કરે તો દંડ અથવા કેદની સજાને પાત્ર બને છે.









