અવારનવાર ફ્લાઇટમાં બોમ્બની અફવા હોવાના સમાચાર સામે આવી રહી છે. ત્યારે વધુ એકવાર ફ્લાઇટમાં બોમ્બ હોવાનું સામે આવતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. અકાસા એરલાઇન્સમાં દિલ્હીથી મુંબઇ જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ ક્રૂ સહિત મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. પરિણામે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી સામે આવ્યા બાદ હવે આકાસા એરલાઈન્સ દ્વારા પણ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. આકાસા એરના પ્રવક્તાને જવાબદાર ગણવામાં આવ્યા છે. મહત્વનું છે કે, 3 જૂન, 2024ના રોજ દિલ્હીથી મુંબઈ જઈ રહેલી Akasa એરની ફ્લાઈટ QP 1719ને સુરક્ષા ચેતવણી મળી હતી. આ ફ્લાઈટમાં 186 મુસાફરો સવાર હતા, જેમાં 1 બાળક અને 6 ક્રૂ મેમ્બર હતા.
બોમ્બ હોવાની ધમકી મળતા જ નિર્ધારિત સલામતી અને સુરક્ષા પ્રક્રિયાઓ અનુસાર વિમાનને અમદાવાદ તરફ વાળવામાં આવ્યું હતું. ફ્લાઇટના કેપ્ટને તમામ જરૂરી કટોકટીની પ્રક્રિયાઓનું પાલન કર્યું. દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટ સવારે 10:13 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. અહીં ઉતર્યા બાદ તમામ મુસાફરોને પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. વિમાનમાંથી મુસાફરોને ઉતાર્યા બાદ ફ્લાઇટની તપાસ કરવામાં આવી રહી છે.









