કલકત્તામાં બનેલી મહિલા તબીબ સાથે રેપ વીથ મર્ડર બાદ અમદાવાદ સિવિલમાં પણ તંત્રએ સુરક્ષા વધારી લીધી છે. ઘટનાના ઘેરા પ્રત્યાઘાત બાદ હોસ્પિટલમાં તમામ સ્થળે લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત જૂના ટ્રોમા સેન્ટર સામે આવેલી કેન્ટિનને બંધ કરવામાં આવી છે. કેન્ટિનમાં બેસી રહેતા અસામાજિક તત્વોને લીધે કેન્ટિન બંધ કરી દેવાઈ છે.
છેલ્લા ચાર-પાંચ દિવસથી જે ઘટનાએ દેશમાં અને રાજ્યમાં ચર્ચા જગાવી છે તે કલકત્તામાં મહિલા તબીબ સાથે રેપ વીથ મર્ડરની ઘટનાનો તબીબ જગત સિવાય પણ બધે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. તબીબો પણ આ ઘટનાનો સામે આવી વિરોધ કરી રહ્યા છે. જેથી આવી ઘટના ફરી ન બને તેને લઈ તંત્રએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા સઘન કરી દીધી છે. તમામ સ્થળે અંધારું ન રહે તે માટે લાઈટિંગ કરવામાં આવી છે. વળી અસામાજિક તત્વોને પહોંચી વળવા રાત્રે પણ પીજી હૉસ્ટેલ પાસે પોલીસની શી ટીમને તૈનાત રાખવામાં આવશે. રાત્રે મહિલા તબીબો ઈમરજન્સીમાં જાય તો શી ટીમ પણ તેઓની સાથે જ રહેશે. આ સિવાય રાત્રે મહિલા કર્મીઓ ઘરે જતી હોય તો તેઓેને પોલીસની શી ટીમ મદદ કરશે.









