અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી અને હેરીટેજ સિટી કહેવાય છે. જે હાલ ભૂવા નગરી બની છે. જેના કારણે શહેરીજનો ત્રસ્ત થયા છે. ત્યારે AMCએ ભૂવાની સમસ્યામાંથી છૂટકારો મેળવવાનો દાવો કર્યો છે. પરંતુ દર વર્ષે ચોમાસા દરમિયાન શહેરમાં અનેક સ્થળોએ ભૂવા પડતા હોય છે. વર્ષો જૂની ડ્રેનેજ લાઈન હોવાના કારણે તેમાં મિથેન ગેસ ઉત્પન્ન થતો હોવાથી લાઈનમાં મોટું ભંગાણ પડે છે.
પોલના માધ્યમથી મિથેન ગેસ બહાર કાઢવામાં આવશે
ડ્રેનેજ લાઈનમાં ઉત્પન્ન થતા ગેસને બહાર કાઢવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક ઝોનમાં 100 જેટલા પોલ ઉભા કરાશે. આ પોલના માધ્યમથી મિથેન ગેસ બહાર કાઢવામાં આવશે. મહત્વનું છે કે, અગાઉ પણ આ પ્રકારના પોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ એપાર્ટમેન્ટના લોકોએ વિરોધ કરતા પ્રોજેક્ટ પડતો મુકવામાં આવ્યો હતો. ત્યારે હવે મુખ્ય માર્ગ પર રહેલી ડ્રેનેજ લાઈનના મેન હોલ મારફતે આ ગેસ નિકાલ કરવાનું આયોજન કરાયું છે.
દરેક ઝોનમાં 100 જેટલા પોલ ઉભા કરાશે
અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત થાય અને સાથે-સાથે ભૂવા પડવાની સમસ્યા પણ શરૂ થાય છે. શહેરમાં પડતા ભૂવાના કાયમી સોલ્યુશન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છેકે, દરેક ઝોનમાં 100 જેટલી જગ્યા આઇડેન્ટીફાઈડ કરવામાં આવશે અને ત્યારબાદ ડ્રેનેજની મેઈન લાઈન હશે ત્યાં વેન્ટિલેશન પોલ નાખવામાં આવશે.









