બાબા બર્ફાનીનો દરબાર તૈયાર છે. અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. અમરનાથ યાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને યાત્રાના રૂટ પર અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનું જૂથ બાલટાલ બેઝ કેમ્પ અને પહેલગામ બેઝ કેમ્પથી રવાના થયું છે. બમ બમ બોલેના નાદ સાથે શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રાની શરૂઆત કરી છે. ભજન કિર્તન સાથે ભક્તિમય માહોલમાં યાત્રાની શરૂઆત થઈ છે. અમરનાથ યાત્રાના પહેલા ગ્રુપમાં 4603 શ્રદ્ધાળુઓ બાબાના દર્શન કરશે.
આજે સાંજે ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરશે, પરંતુ આ માટે તેમણે ગુફા સુધી પહોંચવા માટે લાંબી સફર કરવી પડશે. 13,000 ફૂટની ઉંચાઈ પર સ્થિત બાબા બર્ફાનીની મુલાકાત લેવા માટે બે માર્ગો છે. પહેલગામથી અમરનાથ ગુફાનું અંતર 32 કિલોમીટર છે. જ્યારે બાલતાલથી અમરનાથ ગુફાનું અંતર 14 કિલોમીટર છે. અમરનાથ યાત્રા આગામી 19 ઓગસ્ટ સુધી 52 દિવસ ચાલશે.









