સમગ્ર રાજ્યને મેઘરાજાએ ધમરોળ્યું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આણંદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે નદીઓમાં પૂર આવ્યા છે. આણંદના તારપુરમાં નદીના પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના કારણે તારાપુરનું મિલરામપુરા ગામ બેટમાં ફેરવાયું છે.
મિલરામપુરાથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
આણંદ જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મિલરામપુરા ગામમાં સાબરમતી નદીના પાણી ઘૂસ્યા છે. મિલરામપુરા ગામ છેલ્લા ચાર દિવસથી બેટમાં ફેરવાયું છે. જેના કારણે આખા ગામમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે. ગામ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
હવામાન ખાતાએ હજુ 72 કલાકનું એલર્ટ જાહેર કર્યું
સમગ્ર રાજ્યમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ભારે વરસાદના કારણે અનેક રોડ-રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. તેમજ જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાની તબાહી છતાં હવામાન ખાતાએ હજુ 72 કલાકનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આવતીકાલ માટે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. અતિવૃષ્ટિની સાથે આ જિલ્લાઓમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના ચમકારાની પણ શક્યતા છે, જેના કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ અપાઈ છે.









