ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય બિમારીમાં વધારો જોવા મળતો હોય છે. ત્યારે અરવલ્લીના માલપુર તાલુકાના ગોહિલના મુવાડા ગામે ડેન્ગ્યુનો કહેર જોવા મળ્યો છે. નાનાકડા એવા ગામમાં 30થી વધુ ડેન્ગ્યૂના કેસ સામે આવ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યા નથી. ચોમાસાની શરૂઆતથી જ વરસાદી પાણીના ભરાવાના કારણે ગામમાં ઠેર-ઠેર કાદવ-કિચડના થર જામ્યા છે.
ગોહિલના મુવાડા ગામમાં 30 વધુ ડેન્ગ્યૂના કેસ નોંધાયા
ગોહિલના મુવાડા ગામે ગંદકી અને સફાઈના અભાવે મચ્છરની ઉત્પતિ પણ વધી છે. જેના પરિણામે મચ્છરજન્ય બિમારીએ માથું ઉંચક્યું છે. ગોહિલના મુવાડા ગામે છેલ્લા દસ દિવસમાં 30થી વધુ ડેન્ગ્યૂના દર્દીઓ સામે આવ્યા છે. જેમાં કેટલાક દર્દીઓ ઘરે સારવાર હેઠળ છે, તો કેટલાક દર્દીઓ સારવાર માટે નજીકના શહેરી વિસ્તારની હોસ્પિટલમાં દાખલ થયા છે.
આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી
ગ્રામજનોએ આક્ષેપ કરતા જણાવ્યું કે, ગોહિલના મુવાડા ગામમાં ડેન્ગ્યૂના કેસમાં વધારો થતા આ અંગ આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. તેમજ સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર નથી મળી રહી. ગામમાં તંત્ર દ્વારા પણ સાફ સફાઈની કામગીરી કરવામાં નથી આવતી. પરિણામે ગામમાં રોગચાળો વકર્યો છે. આઠ વર્ષના બાળકથી માંડીને 80 વર્ષના વૃદ્ધ ડેન્ગ્યૂમાં સંપડાયા છે. ગોહિલના મુવાડા ગામમાં ગટર ન હોવાથી ગામજનો દ્વારા ગટરની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.









