મુંબઈ સહિત સમગ્ર દેશમાં છેલ્લા બે દિવસથી ચકચાર મચાવી છે તેવા સિદ્દીકી હત્યાકાંડમાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ થઈ શકે છે. કારણ કે, સોશિયલ મીડિયાના મારફતે લોરેન્સ બિશ્નોઈની ગેંગે સિદ્ધિકી મર્ડર કેસની જવાબદારી લીધી હતી. જેથી મુંબઈ ક્રાઈમ બ્રાંચ આ કેસની તપાસ માટે લોરેન્સની સઘન પૂછપરછ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.
લોરેન્સ હાલ સાબરમતી જેલમાં બંધ હોવાથી તેને જેલબહાર લવાઈ ન શકે. જેથી તપાસ એજન્સીઓએ એનઆઈએ કોર્ટની મંજૂરી લઈને જેલમાં લોરેન્સની પૂછપરછ કરી શકાય તેમ છે. વળી અત્યાર સુધીના ઘણા કેસમાં તેનું નામ પણ સામે આવ્યું છે.
મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈમાં એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ચર્ચામાં છે. જો કે લોરેન્સ ગુજરાતની સાબરમતીની સેન્ટ્રલ જેલમાં બંધ છે, પરંતુ તેની સૂચનાથી ગુનેગારો સતત ગુનાઓને અંજામ આપી રહ્યા છે. જેથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ઘણા બધા કેસમાં લોરેન્સ બિશ્નોઈ પર તેની પકડ મજબૂત કરી રહી છે. તાજેતરમાં જ NIAની પૂછપરછ દરમિયાન લોરેન્સે પોતાના 5 ટાર્ગેટ વિશે ખુલાસો કર્યો હતો. આમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનનું નામ નંબર વન હતું.









