બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના શિહોરીમાં ખાતરની અછતને લઈ ખેડૂતો ફરી એક વખત અટવાયા છે અને શિહોરીમાં ખાતરને લઈને ખેડૂતોએ મોટો આક્ષેપ પણ લગાવ્યો છે કે નેનો યુરિયાની એક બોટલ લઈએ તો જ ખાતર આપે છે અને એક બોટલ લઈએ તો ખાતરના બે કટ્ટા આપવામાં આવે છે.
એગ્રો સેન્ટરની બહાર ખેડૂતોની વહેલી સવારથી લાંબી લાઈનો
શિહોરી એગ્રો સેન્ટરની બહાર ખાતર માટે વહેલી સવારથી ખેડૂતોની લાઈનો લાગી હોય છે અને વાવેતરના સમયે જ ખેડૂતોને ખાતર ના મળતા ખેડૂતો અટવાયા છે અને મોટી મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે વહેલી સવારથી જ લાઈનો લગાવીને ખાતર લેવા માટે ઉભા છીએ છતાં ખાતર મળી રહ્યું નથી અને નેનો યુરીયાની એક બોટલ લઈએ તો ખાતરના બે કટ્ટા આપતા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.
રાજ્યમાં DAP ખાતરની અછતની કૃષિમંત્રીની કબૂલાત
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ રાજ્યના કૃષિમંત્રીએ પણ રાજ્યમાં DAP ખાતરની અછત હોવાની કબૂલાત કરી હતી. કૃષિમંત્રીએ કહ્યું હતું કે DAP સહિતના ખાતરની અછત ઉભી થઈ છે, હાલમાં ખેડૂતો માટે ખેતીની સિઝન છે. કેન્દ્ર પાસેથી પુરતો જથ્થો ફાળવ્યો છે, કોઈ કારણોસર પુરતો જથ્થો પહોંચ્યો નથી અને એક સાથે વાવેતરની સિઝનથી સમસ્યા ઉભી થઈ છે. ત્યારે આગામી એક સપ્તાહમાં ખાતરની સમસ્યા દૂર થઈ જશે તેવી ખાતરી કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી હતી.









