ડીસા અગ્નિકાંડનો મુદ્દો હવે સંસદમાં ગુંજ્યો છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો છે અને મૃતકના પરિજનોને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની પણ માગ કરી છે. સાંસદ ગેનીબેન ઠાકોરે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ ડિસામાં ફટાકડાની ફેકટરીમાં આગની ઘટનામાં 21 લોકોના મોત થયા હતા.
સાંસદ ગેનીબેન ઠાકોરે દુ:ખ વ્યક્ત કર્યુ
સાંસદ ગેનીબેન ઠાકોરે આ સમગ્ર મામલે દુ:ખ વ્યક્ત કર્યુ અને કહ્યું કે ઘટના મામલે સ્પીકરને પણ મળીશ. ગુજરાતમાં આવી ઘટનાઓ ભ્રષ્ટાચારને કારણે બની રહી છે, સરકાર પાસેથી તપાસ અને વળતરની માગ કરી છે. સંસદ પૂરી થયા પછી હું પીડિત પરિવારોને પણ મળીશ. આવી ઘટનાઓ ઉચ્ચ અધિકારીઓની મિલીભગતથી થાય છે, તેની પણ યોગ્ય તપાસ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આગકાંડ બાદ રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે અને આ સાથે જ કેન્દ્ર સરકારે પણ રૂપિયા 2 લાખ મૃતકોના પરિવારજનોને આપવાની જાહેરાત કરી છે.









