બનાસકાંઠાના થરામાં આજે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સામે હજારો લોકોએ હાથમાં બેનરો લઈને વિરોધ પ્રદર્શન કરી ભુવાજી વાઘજીને ધૂંણતા રોકવા માટેની ચેલેન્જ આપી હતી. ત્રણ દિવસ પહેલા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમની ટીમ થરા પહોંચી હતી અને તેમને થરાના ભુવાજી વઘાજીને દોરા ધાગા કરી લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો આક્ષેપ કરીને તેમને પકડી પાડ્યા હતા.
પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી જયંત પંડ્યાનો વિરોધ
તે બાદ ભુવાજી વિરુદ્ધ થરા પોલીસ મથકે અરજી આપીને તેમને થરા પોલીસ મથકે લઈ જવાયા હતા. જ્યાં ભુવાજીએ હું હવે આવું કામ ક્યારેય નહીં કરું તેવું કહીને હાથમાં બેનર લઈને માફી માગી હતી જે બાદ ભુવાજીને છોડી મુકાયા હતા, જોકે તે બાદ ભુવાજીના સમર્થકો ઉમટી પડયા હતા. જયંત પંડ્યાએ ભુવાજી સાથે ખોટું કર્યાનો આક્ષેપ કરીને આજે પૂનમના દિવસે ભુવાજી થરાના સિકોતર માતાના મંદિરે ધુણશે અને જો જયંત પંડ્યામાં તાકાત હોય તો આવીને રોકી બતાવે તેવી ચેલેન્જ આપી હતી. જેને લઈને આજે થરામાં ભુવાજીના સમર્થનમાં હજારો ભક્તો અને સમર્થકો પોતાના હાથમાં વિવિધ બેનેરો અને પોસ્ટરો લઈને ઉમટી પડ્યા હતા. જેમાં "જયંત પંડ્યા ખોટી જગ્યાએ મંડ્યા "વિજ્ઞાન જાથા ખોટી અમારી શ્રદ્ધા સાચી' જેવા અનેક સૂત્રો લખીને જયંત પંડ્યાનો વિરોધ કરીને ચેલેન્જ આપી હતી કે અહીં કોઈ તાંત્રિક વિધિ કરતું નથી, અમારી આસ્થાને જયંત પંડ્યાએ ઠેસ પહોંચાડી છે.
સમર્થકોનો સાથ મળતા ભુવાજી વાત પરથી પલટ્યા
જો જયંત પંડ્યા જોડે ભુવાજીની વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો રજૂ કરે તેમ કહી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ભુવાજી આજે ધૂણશે જો જયંત પંડ્યામાં તાકાત હોય તો અહીં આવીને રોકીને બતાવે, જોકે ભુવાજીએ આક્રોશ ઠાલવતા કહ્યું કે મને જયંત પંડ્યાએ આવીને ખોટી રીતે ડરાવી ધમકાવીને ભયભીત કરી દીધો હતો અને જેથી હું ગભરાઈ ગયો હતો મને ખોટી રીતે પોલીસ મથકે લઈ જઈને માફી મગાવી હતી. હું કોઈ અંધશ્રદ્ધા ફેલાવતો નથી કે કોઈ જોડે પૈસા લેતો નથી, અહીં લોકો શ્રદ્ધાથી આવે છે.









