છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં મેઘ મંડાણ જોવા મળી રહ્યું છે. ત્યારે અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યા પર મેઘરાજા જાણે કહેર વરસાવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. જેને લઈને ભરૂચના વાલિયાના ડહેલી ગામમાં પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું હતું.
ઘરોમાં પાણી ભરાય જતા લોકોને હાલાકી
ભરૂચના ડહેલી ગામે સાર્વત્રિક વરસાદના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે ઘરોમાં પાણી ભરાય જવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હોય તેવું જોવા મળી રહ્યું છે. તો સાથે જ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હોવાનું સામે આવ્યું હતું.
અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદની આગાહી સામે આવી છે. જેમાં 4થી 5 સપ્ટેમ્બરે બીજી લો પ્રેશર વરસાદ લાવશે. જે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં આકાર પામશે. તેમજ 3 થી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં વરસાદ રહેશે. તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. ભરૂચ, જંબુસર, પાદરામાં ભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી
રાજ્યમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે. જેમાં ભરૂચ, સુરતમાં વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ભાવનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. તથા આણંદ, વડોદરા, નર્મદા, તાપી તેમજ ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં ઓરેન્જ એલર્ટ છે. તેમજ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરાઇ છે.









