ભાવનગર શહેરમાં ચાલતી સીટીબસની સેવા ખાડે ગઇ છે.શહેરના એક માત્ર ભરતનગરના રૂટ ઉપર ચાલતી સીટી બસ પણ હાલ બંધ થઈ જતા મુસાફરોને જીવના જોખમે અને ઊંચા ભાડા આપીને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનો વારો આવ્યો છે.શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સસ્તા ભાડામાં મુસાફરી કરી શકે એ માટે મનપાએ સીટી બસની સેવા શરૂ કરી હતી અને સમયાંતરે આ સેવા એક બાદ એક રૂટ ઉપર બંધ થઇ અને એક માત્ર રૂટ ભરતનગર વિસ્તારમાં સીટી બસ ની સેવા ચાલુ હતી પરંતુ થોડા સમયથી એ ભરતનગરની સેવા પણ બંધ થઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
16 જેટલા રૂટ ઉપર આ બસ શરૂ કરાશે
આ અંગે મનપાના વિપક્ષે જણાવ્યું હતું કે ભાવનગર શહેરમાં આ ખૂબ દુઃખદ વાત છે અન્ય મહાનગરોની તુલનામાં ભાવનગરમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં શાસક પક્ષ નિષ્ફળ નીવડ્યો છે.શાસક પક્ષ દ્વારા માત્રને માત્ર મોટી મોટી વાતો કરવામાં આવે છે. બસ સેવા શરૂ કરવાની મોટી મોટી વાતો કરે છે પરંતુ હાલમાં તાત્કાલિક ધોરણે સીટી બસની સેવા શરૂ કરવામાં આવે તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થાય એમ છે.આ અંગે ભાવનગરના મેયરે જણાવ્યું હતું કે ભાવનગર મનપા દ્વારા શહેરીજનો માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ એસી ઇ બસ શરૂ કરવા જઈએ છીએ.ભાવનગરના 16 જેટલા રૂટ ઉપર આ બસ શરૂ કરવામાં આવશે.









