વલ્લભ વિદ્યાનગરના નાના બજારમાં ભાજપ કાર્યાલય કમલમની બાજુમાં આવેલા રેશી હાઉસમાં 84 વર્ષીય મહેન્દ્ર કૌર ગુરૂદીપસિહં પ્રીતમસિંહ રેશી પોતાના પુત્ર હરભજનસીંગ અને પુત્રવધુ ગુરમીતકૌર સહિતના પરીવાર સાથે રહે છે અને નિવૃત્ત જીવન જીવન જીવે છે. મહેન્દ્ર કૌરના પુત્ર અને પુત્રવધુ એક અઠવાડીયા અગાઉ જ લંડન ગયાં હોઈ હાલમાં એક સપ્તાહથી મહેન્દ્ર કૌર બંગ્લામાં એકલા જ રહેતા હતા.
બુમ પાડવા જતાં લુંટારૂએ મહેન્દ્ર કૌરનાં મોંઢામાં ડૂચો મારી દીધો
આ દરમિયાન રવિવારે રાત્રે મહેન્દ્ર કૌર જમી પરવારીને પોતાના મકાનના બારી બારણાં બંધ કરીને સુઈ ગયા હતા અને રાત્રીના અઢી વાગ્યાના સમયે તેઓના પલંગમાં ખખડાટ થતાં મહેન્દ્ર કૌર જાગી ગયા હતા અને જોયુ તો માથા પાસે એક અજાણ્યો શખ્સ બેઠેલો હતો. જેથી બુમ પાડવા જતાં લુંટારૂએ મહેન્દ્ર કૌરનાં મોંઢામાં ડુચો મારી દઈ બંને હાથ દુપટ્ટાથી બાંધી દઈ મોઢામાં મારવાનું શરૂ કરી દીધું હતું. જે શખ્સ શરીરે કાળા કપડાં પહેરેલા હતાં અને મોંઢા ઉપર કપડું બાંધેલુ હતું અને ગુજરાતી ભાષામાં મહેન્દ્ર કૌરને કંઈ બોલીશ નહીં, નહીં તો મારી નાખીશ તેમ કહી પોતાના હાથમાં રહેલુ ચપ્પુ મહેન્દ્ર કૌરને જમણા હાથની કોણી અને કાંડાની વચ્ચે મારી દઈ તેમજ બરડામાં અને મોંઢામાં મુક્કા મારી હાથમાં પહેરેલુ સોનાનું ત્રણ તોલાનું કડુ, જેની કિંમત રૂપિયા 1.50 લાખ તેમજ તિજોરીમાંથી રોકડા રૂપિયા 50 હજાર કાઢી 2 લાખની લુંટ ચલાવી લુંટારૂ ફરાર થઈ ગયો હતો.
પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપ્યો
સવારના સમયે અચાનક બનેલી આ ઘટનાથી ડરી ગયેલા મહેન્દ્ર કૌરે બુમાબુમ કરતાં સર્વન્ટ રૂમમાં રહેતાં સુનીતાબેન માછી તેમજ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને વિદ્યાનગર પોલીસ, આણંદ એલસીબી સહિતના પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એફએસએલ, ડોગ સ્કોડ તેમજ સીસી ટીવી ફુટેજની મદદથી તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈને પોલીસે જુદી જુદી ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, આ દરમિયાન પ્રથમ માળની બાલ્કનીમાંથી બંગ્લામાં પ્રવેશ કરવાનો દરવાજો અંદરથી ખુલ્લો હોઈ લુંટની ઘટનામાં કોઈ જાણભેદુ હોવાની શંકાને લઈને વલ્લભવિદ્યાનગર પોલીસ અને એલસીબી પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના 12 કલાકમાં જ લુંટને અંજામ આપનાર આરોપીને ઝડપી પાડી તેની પાસેથી લુંટનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.









