લોકસભાના પરિણામની સમીક્ષા માટે આજે ભાજપની બેઠક યોજાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક ચાલી રહી છે. બેઠકમાં ભાજપના તમામ સાંસદ અને પદાધિકારીઓ હાજર રહ્યા છે. ચૂંટણીમાં પરિણામ, બનાસકાંઠા બેઠકની હાર અને ઓછા માર્જીન ધરાવતી બેઠકો અંગે ચર્ચા કરવામાં આવશે.
લોકસભા ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે હવે રાજકીય પક્ષો ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરી રહ્યા છે. સતત બે ચૂંટણીમાં ગુજરાતમાં 26 બેઠકમાંથી 26 બેઠક મેળવનાર ભાજપને આ વખતે ચૂંટણીમાં જીતની હેટ્રીક મળી શકી નથી. ભાજપને 25 બેઠકો પર જ કોંગ્રેસે રોકી દીધી હતી અને બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વિજેતા થયા છે. લોકસભા ચૂંટણીના પરિણામો અંગે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ખાસ મહત્વની ગણી શકાય તેવી સમીક્ષા બેઠક ચાલી રહી છે.









