બાળકીઓ શિક્ષણ તરફ પ્રેરાય અને બાળકીઓમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ છોટા ઉદેપુર જિલ્લામાં બાળકીઓને આપવાની સાયકલો ક્યારેક આદર્શ નિવાસી શાળાના ઓરડામાં તો ક્યારેક ખાનગી જીનના કમ્પાઉન્ડમાં કાટ ખાઈ રહી છે. આવા જ દ્રશ્યો પાવી જેતપુરના નાની રાસલી અને તારાપુર ખાતેથી સામે આવ્યા છે,
જર્જરિત એક ઓરડામાં સાયકલો ધૂળ ખાતી નજરે પડી
પાવી જેતપુર તાલુકાની શાળાના જર્જરિત એક ઓરડામાં વર્ષ 2020-21 અને 2021-22 ના વર્ષની સાયકલો હજુ સુધી ધૂળ ખાતી નજરે પડી રહી છે, જ્યારે આદર્શ નિવાસી શાળાની પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ મુલાકાત લીધી ત્યારે આ ઓરડામાં મોટી સંખ્યામાં સાયકલો પડેલી નજરે ચડી હતી. છોટા ઉદેપુરમાં પ્રવેશોત્સવ બાદ પણ બાળકીઓને સાયકલો હજુ મળી નથી. એક તરફ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે અને બીજી બાજુ વહીવટી તંત્ર સરકારની આ યોજનાને ફારસ રૂપ સાબિત કરી રહ્યા છે.









