અમદાવાદ શહેરમાં કોરોના સાથે રોગચાળો વકર્યો છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 12,080 ઓપીડી કેસ નોંધાયા છે. વાયરલ ઈન્ફેકશનના 12 દર્દી સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે ડેન્ગ્યુ, ઝાડા, ઉલ્ટીના 10થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે સોલા સિવિલમાં કોરોનાના 2 દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 70 વર્ષીય મહિલા અને 2 વર્ષનું બાળક કોરોના પોઝિટીવ આવ્યા છે તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં કુલ 13 દર્દીની સારવાર કરવામાં આવી છે. એક મહિલા દર્દીએ તબીબની સલાહ વિરુદ્ધ ડિસ્ચાર્જ પણ લીધું છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 70 નવા કેસ નોંધાયા
અમદાવાદમાં કોરોના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 70 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડથી એક પણ મોત થયું નથી. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 107 કેસ નોંધાયા છે. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 320 થઈ છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોનાના 94 કેસ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 55 કેસ, દક્ષિણ ઝોનમાં કોરોનાના 26 કેસ અને મધ્ય ઝોનમાં કોરોનાના કેસ 6 નોંધાયા છે.









