હનુમાન જયંતી નિમિતે ભુરખિયા હનુમાન જવા માટે અમરેલી ભાવનગર અને બોટાદ જિલ્લા માંથી પદયાત્રીઓનું ઘોડાપુર આવ્યું હોય તેવા દ્રશ્યો રોડ ઉપર જોવા મળ્યા છે , અમરેલી સહિત અલગ અલગ વિસ્તારો માંથી આવતા શ્રદ્ધાળુઓ માટે પદયાત્રાના રૂટ ઉપર સેવાકિય સંગઠનો દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.
નાસ્તા અને જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે
આજે ચૈત્રી પૂનમ એટલે હનુમાન જન્મોત્સવ સમગ્ર દેશમાં હનુમાન જયંતી ઉજવાય રહી છે ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના નાનકડા એવા ગામમાં ભુરખિયા હનુમાન ના નામથી સુ પ્રસિદ્ધ મંદિર આવેલું છે, આ મંદિર આશરે 450 વર્ષ જૂનું છે, લોકોની અતૂટ આસ્થા આ ભુરખિયા હનુમાન દાદા સાથે જોડાયેલી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં ખુબજ ઉત્સાહ અને ઉમંગ સાથે હનુમાન જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે, હનુમાન જયંતિના દિવસે સવારની પ્રથમ આરતીના દર્શન કરવા ભક્તો પૂર્વ સંધ્યા એટલેકે આગલા દિવસે સાંજથી અલગ અલગ વિસ્તારો માંથી પગપાળા ચાલી ભુરખિયા મંદિર પહોંચે છે લાખો શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે તેના માટે યાત્રાના તમામ રૂટ ઉપર સેવાભાવી સંગઠનો દ્વારા ચા, પાણી,નાસ્તા અને જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે.
હનુમાન દાદા માત્ર પ્રાર્થના કરવાથી હરેક મનોકામના પૂર્ણ કરે છે
મંદિરના મહંતના જણાવ્યા પ્રમાણે લાઠીના ભુરખિયા હનુમાન મંદિરે ચૈત્રી પૂનમ એટલેકે હનુમાન જન્મોત્સવના દિવસે 2 લાખ આસપાસ ભક્તો દર્શને આવે છે અને પોતપોતાની મનોકામના પૂર્ણ થાય. તેવી પ્રાર્થના કરે છે 450 વર્ષ જૂના મંદિર સાથે અમરેલી જિલ્લા સહિત સમગ્ર દેશની આસ્થા જોડાયેલી છે. ભુરખિયા હનુમાન દાદા માત્ર પ્રાર્થના કરવાથી હરેક મનોકામના પૂર્ણ કરે છે...
યાત્રા રૂટ ઉપર પેટ્રોલિંગ કરી સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવશે
ભુરખિયા હનુમાન આવતા યાત્રિકોને કોઈ તકલીફ ના પડે તેના માટે ધારાસભ્ય ,સાંસદ સભ્ય સહિતની ટીમ પણ સતત મોનીટરીંગ કરી રહી છે અને જરૂર જણાયે સૂચના પણ આપવામાં આવે છે સાથે સાથે હનુમાન જયંતિની શુભકામના પાઠવવામાં આવી છે, ત્યારે અમરેલી પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગઈ કાલ બપોરથી જ ગોઠવી દેવામાં આવ્યો છે અને યાત્રાળુઓને અગવડ ના પડે અને ટ્રાફિક સમસ્યા ના થાય તેના માટે અમરેલી થી લાઠી અને ભુરખિયા જતા તમામ રસ્તાઓને બાબરા ચિતલ ડાયવર્ટ કરવામાં આવ્યા છે તો કેટલાક રસ્તાઓને અંદરના ગામડાઓ તરફ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે જિલ્લા પોલીસ દ્વારા 7 પીઆઇ, 9 પીએસઆઇ, 141 પોલીસ સહિતનો સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો છે આ સિવાય પોલીસ વેન સતત યાત્રા રૂટ ઉપર પેટ્રોલિંગ કરી સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે છે.
દર્શન સાથે ભોજન પ્રસાદનો પણ લ્હાવો
આમ સૌરાષ્ટ્રમાં ભુરખિયા હનુમાન એકજ એવું મંદિર છે કે જ્યાં એક જ દિવસમાં લાખો યાત્રિકો પગપાળા ચાલીને હનુમાન જન્મોત્સવમાં દર્શને પહોંચે છે, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવા છતાં હજુ સુધી એક પણ અનિચ્છનિય બનાવ બન્યો નથી તે પણ હકીકત છે,લોકો અહીં ખૂબ ભાવ અને શ્રદ્ધા પૂર્વક આવે છે અને દર્શન સાથે ભોજન પ્રસાદનો પણ લ્હાવો લે છે..









