મોદી કેબિનેટના મંત્રીમંડળને ખાતા ફાળવી દેવાયા છે. ત્યારે મંગળવારે સવારથી જ મંત્રીઓ કાર્યભાર સંભાળવા પહોંચ્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશકંર અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કાર્યભાર સંભાળ્યો છે. મહત્વનું છે કે, 9 જૂન સુધી PM મોદી સહિત 71 મંત્રીઓએ મંત્રી પદના શપથ લીધા હતા. ગઈકાલે PM મોદીએ કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારે હવે ગઈકાલે સાંજે વિભાગોની ફાળવણી થતા જ મંત્રીઓએ કાર્યભાર સંભાળવા તેઓ પોતાના કાર્યાલય પહોંચ્યા હતા. મોટા ભાગના મંત્રીઓ આજે જ ચાર્જ સંભાળશે. તેમજ શરૂઆતમના 4 દિવસ કાર્યાલયમાં જ રહેવા PM દ્વારા સૂચના અપાઈ છે.
અશ્વિની વૈષ્ણવે બીજી વખત રેલવે મંત્રી બનાવાયા છે. ગત ટર્મમાં પણ તેઓ રેલવે મંત્રી હતા. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણ કાર્યાલયમાં પહોંચતા જ ફુલ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વહીવટી સેવાઓમાંથી રાજકારણમાં આવેલા અશ્વિની વૈષ્ણવે પણ સતત બીજી વખત મોદી સરકારની કેબિનેટમાં શપથ લીધા. વૈષ્ણવે જોધપુરમાં જ અભ્યાસ કર્યો. તેમના પિતા અને ભાઈનો પરિવાર જોધપુરમાં રહે છે. અગાઉની મોદી સરકારમાં તેમણે રેલવે મંત્રાલય સંભાળ્યું હતું અને ઘણા મોટા ફેરફારોનું નેતૃત્વ કર્યું હતું.
એસ.જયશંકરને પણ બીજી વખત વિદેશ મંત્રી બનાવાયા છે. તેઓએ પણ આજે પોતાનો કાર્યભાર સંભાળ્યો. આ પ્રસંગે તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, દુનિયા ભારત પર વિશ્વાસ કરે છે. ભારતમાં રાજનીતિક સ્થિતરતા છે. પાકિસ્તાન અને ચીન બન્ને અલગ-અલગ દેશ છે. બન્નેની સમસ્યાઓ પણ અલગ-અલગ છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, વિશ્વને ચોક્કસપણે લાગશે કે ભારતમાં રાજકીય સ્થિરતા છે.









