આજે ઘરે ઘરે નંદમહોત્સવની ઉજવણી થઇ રહી છે. મથુરા સહિત દેશભરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. જો કે વૃંદાવનમાં મંગળવારે એટલે કે 27 ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આ ભગવાન કૃષ્ણની 5251મી જન્મજયંતિ છે. જાણકારોનું માનવું છે કે આ વખતે જન્માષ્ટમી પર દ્વાપર યુગ જેવો સંયોગ બની રહ્યો છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
તો કૃષ્ણની નગરી દ્વારકા મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. વહેલી સવારથી લોકો દર્શન માટે ઉમટ્યા છે માનવમહેરામણ ઉમટી પડ્યુ છે. ભગવાનના દર્શન કરવા ભક્તો ભાવવિભોર બન્યા છે. મોટી સંખ્યામાં મંદિરોમાં ભકતોનો જમાવડો જોઇ શકાય છે. નંદ ઘેર આનંદ ભયો અને જય શ્રી કૃષ્ણના નાદ સાથે વાતાવરણ ગુંજી રહ્યુ છે. આજે રાત્રે 12 કલાકે કૃષ્ણજન્મોત્સવ ઉજવાશે. લોકો કન્હૈયાને માખણ-મીસરી અને પંજરીનો પ્રસાદ ખવડાવશે. ભક્તો આતુરતાથી શ્રી કૃષ્ણને આવકારવા આતુર બન્યા છે.









