ફાગણી પૂનમે ડાકોર રણછોડરાયના દર્શનનો મહિમા છે. ત્યારે હાલમાં ભાવિક ભક્તો ડાકોર પૂનમ ભરવા પગપાળા નીકળ્યા છે. અમદાવાદથી ડાકોર જતા પગપાળા સંઘો રવાના થયા છે. અમદાવાદથી ડાકોરના માર્ગો 'જય રણછોડ'ના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. ત્યારે સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા પગપાળા સંઘોમાં ચાલતા જતા લોકો માટે ઠેર ઠેર જગ્યાએ સેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
હાથીજણ સર્કલથી પદયાત્રીઓ માટે એક તરફનો માર્ગ બંધ
અમદાવાદથી ડાકોર સુધીના માર્ગમાં પગપાળા આવતા ભક્તો માટે થોડા થોડા અંતરે ચા, નાસ્તો, જમવાનું, ઠંડા પીણા અને આરામ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ઉનાળાના તાપમાં ભક્તોને આરામ મળી શકે અને કોઈ પણ મુશ્કેલી વગર ભક્તો ડાકોર પહોંચીને રણછોડરાયના દર્શન કરી શકે. ત્યારે હાલમાં હાથીજણ સર્કલથી પદયાત્રીઓ માટે એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને એક જ તરફના માર્ગ પર વાહનોની અવરજવર શરૂ કરાવવામાં આવી છે.









