આણંદમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની ગંભીર બેદરકારી સામે આવી છે. પેટલાદ તાલુકાના પાડગોલ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોની ગંભીર બેદરકારી સામે આવી છે. પાડગોલ ગામની શાળાના બાળકોને જોખમી પ્રવાસ કરાવવામાં આવ્યો છે. શાળામાં અભ્યાસ કરત 123 બાળકોને ખુલ્લા ટેમ્પોમાં બેસાડીને પ્રવાસ કરાવવામાં આવ્યો છે .
મંજૂરી વિના જ બાળકોને લઈ ગયા હતા પ્રવાસે
ગઈકાલે પ્રાથમિક શાળાના 123 બાળકોને વડતાલ અને વિદ્યાનગરમાં આઈસર ટેમ્પોમાં પ્રવાસ કરાવવામાં આવ્યો છે. કોમર્શિયલ વાહનમાં પ્રવાસ અંગેની ઉપલા લેવલે કોઈ જાણ કરવામાં આવી ન હતી અને મંજૂરી વગર જ આ જોખમી પ્રવાસ શાળાના શિક્ષકો દ્વારા કરાવવામાં આવ્યો છે.
આવી કોઈ બેદરકારી ચલાવી નહીં લેવામાં આવે: શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આણંદ પ્રાથમિક સ્કૂલની આ બેદરકારી સામે આવતા જ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપતા કહ્યું કે નિયામકને આ ઘટના અંગે તપાસ કરવા સૂચના કરી છે અને આવી કોઈ બેદરકારી ચલાવી નહીં લેવામાં આવે. કોઈ પણ શાળાએ ખાનગી વાહનોમાં વિદ્યાર્થીઓને પ્રવાસે ના લઈ જવા. જે તે શાળાના પ્રિન્સીપાલ સામે કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં ફરી તમામ DEO અને પ્રિન્સિપાલોને પ્રવાસ બાબતે સૂચનાઓ આપવામાં આવશે. તમામ શાળામાં વિદ્યાર્થીઓની જવાબદારી સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓની હોય છે.









