તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ હાલમાં એક વીઘે માત્ર 9.25 મણની મર્યાદા રાખવામાં આવી છે. આ મર્યાદાને કારણે નાના ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેના કારણે આ મર્યાદા વધારવા માટે ભારતીય કિસાન સંઘે માગ કરી છે.
આ વર્ષે તુવેરનો ઉતારો 18થી 20 મણ જેટલો આવ્યો
ભારતીય કિસાન સંઘના તાલાલા તાલુકા પ્રમુખ પ્રવીણ છોડવડીયાએ જણાવ્યું કે, આ વર્ષે તુવેરનો ઉતારો 18થી 20 મણ જેટલો આવ્યો છે. ખુલ્લા બજારમાં વેપારીઓ તરફથી પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી. સરકારની ટેકાના ભાવે ખરીદી બાદ વધતો જથ્થો ખેડૂતોએ વેપારીઓને ઓછા ભાવે વેચવો પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે ભારતીય કિસાન સંઘે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર પાઠવ્યો છે. સંઘે માગ કરી છે કે સરકાર વર્તમાન મર્યાદા વધારીને 15થી 20 મણ સુધી કરે. આ વધારાથી ખાસ કરીને 5થી 10 વિઘા જમીન ધરાવતા નાના ખેડૂતોને મોટો લાભ થશે.









