નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળના શપથ ગ્રહણ સમારોહ 9 જૂન 2024ના રોજ સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર છે. આ પ્રસંગે ભારતના પાડોશી અને હિંદ મહાસાગર ક્ષેત્રના દેશોના નેતાઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, નેપાલના PM પુષ્પ કમલ દહલે પણ આમંત્રણ સ્વીકાર્યું છે. આ ઉપરાંત શ્રીલંકાના પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝુ, અહેમદ અફીફ, સેશેલ્સના વાઇસ પ્રેસિડેન્ટ, ભૂતાન અને મોરેશ્યસના વડાઓ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે.
શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ઉપરાંત આ નેતાઓ તે જ સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં પણ હાજરી આપશે. શપથ ગ્રહણ સમારોહમાં ભારતના પડોશીઓ અને હિંદ મહાસાગર ક્ષેત્રના દેશોના નેતાઓને આમંત્રિત કરવા માટે 'નેઇબર ફર્સ્ટ' નીતિને ધ્યાનમાં રાખવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ભવન ખાતે 8,000થી વધુ મહેમાનો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ બાદ પીએમ મોદી સતત ત્રીજી વખત સત્તામાં આવનાર બીજા ભારતીય નેતા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 2019ની 303 બેઠકોથી તેની વિશાળ બહુમતી ઘટાડીને 240 બેઠકો કરી. 2019માં 352 સંસદીય મતવિસ્તારો જીતનાર ભાજપની આગેવાની હેઠળની એનડીએ પણ ઘટીને 293 પર આવી ગઈ છે. પરંતુ આ ગઠબંધનને બહુમત માટે જરૂરી 272ના આંકડા કરતા વધુ બેઠકો મળી છે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.









