ગાંધીધામની ગળપાદર જેલમાં પૂર્વ કચ્છ પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. જેમાં રહેલા 6 કેદીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે. દારૂની મહેફિલ માણતા પકડાયેલા કાચા કામના 6 કેદીઓમાં ભચાઉના રીઢા બૂટલેગર યુવરાજ જાડેજા ઉપરાંત જયંતી ભાનુશાલી મર્ડર કેસના આરોપી સુરજીત પરદેશીનો પણ સમાવેશ થાય છે. જેલમાં તપાસ દરમિયાન મોબાઈલ ફોન અને ચાર્જર પણ મળી આવ્યું છે.
બે રીઠા આરોપીના કબજામાંથી આઈફોન સહિત ચાર મોબાઈલ મળ્યા
ચાર મોબાઈલ ફોન ચાર્જર અને દારૂની બોટલ સહિતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. બે રીઠા આરોપીના કબજામાંથી આઈફોન સહિત ચાર મોબાઈલ મળી આવ્યા છે. સર્ચ દરમિયાન હાઈ સિક્યોરીટી બેરેકની છત પરથી 50,000 હજારની રોકડ રકમ મળી આવી છે. પોલીસે કુલ 1 લાખ 40 હજાર 700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ દારૂબંધી અને મોબાઈલ ફોન રાખવા સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા છે.
જેલના કયા અધિકારીની સંડોવણી તે અંગે તપાસ તેજ
હાલ પોલીસે જેલમાં દારૂની મહેફિલ માણતા અને મોબાઈલ રાખવા બદલ નવ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જેમાં ભચાઉનો કુખ્યાત બુટલેગર યુવરાજ જાડેજાનો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહી બાદ હવે જેલ પ્રશાસન સામે અનેક સવાલો ઊભા થયા છે. આરોપી પાસેથી મોબાઈલ અને દારૂ કયાંથી આવ્યો? શું જેલમાં જેલ પ્રશાસન દ્વારા આરોપીઓને દારૂ અને મોબાઈલ સુવિધા આપવામાં આવે છે. જેલમાંથી મળેલી રોકડ રકમ કોની છે? જેલમાં આરોપીને કોણ જલસા કરવી રહ્યું છે. જેલના કયા અધિકારીની સંડોવણી છે, આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









