ખેડમાં હનીટ્રેપમાં લોકોને ફસાવીને નાણા પડાવતી ગેંગ ઝડપાઈ છે. આ ગેંગ ખાસ કરીને સિનિયર સિટીઝનને હનીટ્રેપમાં ફસાવી લેતી હતી અને તેમની પાસેથી અલગ અલગ પ્રકારે નાણા પડાવતી હતી, જો કે પોલીસે આ ગેંગને ઝડપી લઈને મોટી સફળતા મેળવી છે. મુખ્ય સૂત્રધાર સહિત અન્ય 8 ઈસમોને કપડવંજ ટાઉન પોલીસે ઝડપી પાડ્યા છે.
પોલીસે આરોપીઓ પાસેથી 10 મોબાઈલ, 3 લાખ રોકડા કબ્જે કર્યા
સિનિયર સિટીઝનને હની ટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરીને આ ગેંગ નાણાંની માગ કરતી હતી. કુલ 6 લાખ રૂપિયાની માગ કરતા સિનિયર સિટીઝને નાણા આપવા સહમતિ દર્શાવી હતી, જે પૈકી રૂપિયા 3 લાખ હની ટ્રેપ ગેંગ દ્વારા પડાવવામાં આવ્યા હતા અને બીજા ત્રણ લાખ બાકી હતા. ત્યારે બાકીના રૂપિયા 3,00,000 લેતા સમયે કપડવંજ પોલીસ દ્વારા સોમવારે બપોરના સમયે હની ટ્રેપ ગેંગને દબોચી લેવામાં આવી છે. આ આરોપીઓ પાસેથી કુલ 10 મોબાઈલ ફોન તેમજ 3 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. આ સમગ્ર મામલે કપડવંજ ટાઉન પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









