આજે વહેલી સવારથી સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આજે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ પ્રાંતિજમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો માણસામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ તલોદ અને હિંમતનગરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. મહેસાણા અને જોટાણામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. મોડાસા અને વિજાપુરમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે.
નદીઓમાં નવા નીરની આવક થઈ
સમગ્ર રાજ્યમાં આજે વહેલી સવારથી વરસાદ વરસતા નદી-નાળા અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. તેમજ રોડ-રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. રાજ્યમાં આજે વહેલી સવારથી વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
વરસાદના પગલે તારાજીના દ્રશ્યો સર્જાયા
ધોધમાર વરસાદના કારણે અનેક તાલુકાઓમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. તેમજ ભારે વરસાદના પગલે અંડરપાસ અને ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. તેમજ અનેક સ્થળો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.









