ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. યુનિવર્સિટીની એક્ઝિક્યુટીવ કમિટી દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 થી યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોની ફીમાં વધારો કરવામાં આવશે. આ ફી વધારો વિવિધ ફેકલ્ટીના અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સોમાં લાગુ થશે, જેના કારણે વિદ્યાર્થીઓ પર નાણાકીય બોજ વધશે.
એફિલિએશન ફીમાં પણ નજીવો વધારો
નવા શૈક્ષણિક વર્ષથી અમલમાં આવનાર ફી વધારા અનુસાર, વિવિધ અભ્યાસક્રમોમાં પ્રતિ સેમેસ્ટર અંદાજે ૧૮૦૦ થી ૨૨૫૦ રૂપિયાનો વધારો થશે. આ વધારો મુખ્યત્વે PhD, BBA, BCA, BSc, BCom અને BA જેવા અભ્યાસક્રમોમાં લાગુ થશે. યુનિવર્સિટી પ્રશાસનનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો અને વર્તમાન સમયમાં સંસ્થાના ખર્ચાઓને પહોંચી વળવા માટે આ મામૂલી વધારો અનિવાર્ય હતો. તેઓએ એ પણ જણાવ્યું કે યુનિવર્સિટી દ્વારા કોલેજો પાસેથી લેવામાં આવતી એફિલિએશન ફીમાં પણ નજીવો વધારો કરવામાં આવ્યો છે.
ડ્યુઅલ ડિગ્રીનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો
ગુજરાત યુનિવર્સિટીમાં આજે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક મળી હતી.બેઠકમાં કેટલાક નિર્ણય કરવામાં આવ્યા છે,જેમાં યુનિવર્સિટી દ્વારા ડ્યુઅલ ડિગ્રીનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. બી.એ.,બી.કોમ., બી.એસ.સી.,બી.બી.એ., બી.સી.એ. જેવા કોર્સ સાથે વિદ્યાર્થીઓ બીજી ડિગ્રીમાં એડમિશન લઈ શકશે.









