ભાવનગરના મહુવામાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહુવા સાવરકુંડલાની વચ્ચે ભાદરા ગામ પાસે આવેલા ડાયવર્ઝનમાં વરસાદી પાણી ભરાતા રસ્તો બંધ થયો છે. મહુવા સાવરકુંડલા રોડ પર ભાદરા ગામ પાસે બે નાળા બનાવવાની કામગીરી ચાલી રહી છે. બંને નાળાના ડાયવર્ઝન પર પાણી આવતા બંને ડાયવર્ઝન બંધ કરવામાં આવ્યા છે.
મહુવામાં 5 કલાકમાં 170 મીમી વરસાદ વરસ્યો
હાલમાં ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે . ત્યારે ટુ વ્હીલર ચાલકો પોતાના જીવના જોખમે ડાયવર્ઝન ઉપર પાણી ભરેલા રોડ પર પસાર થઈ રહ્યા છે. હાલની પરિસ્થિતિ જોતા રોડ ક્યારે ચાલુ થાય તે કહેવું નક્કી નથી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ મહુવામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. મહુવામાં 60થી 80ની સ્પીડે પવન ફૂંકાયો હતો અને મહુવામાં 5 કલાકમાં 170 મીમી વરસાદ વરસ્યો હતો.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
મહુવામાં ગઈકાલે પણ હોસ્પિટલ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. આ સિવાય કુંભારવાડા, ખારજાપા, વાસી તળાવ વિસ્તારમાં પાણી ભરાયા હતા અને ભારે પવનને પગલે શહેરમાં લગાવેલા બોર્ડ અને મંડપ પણ તૂટી ગયા હતા. આ સિવાય શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મહુવા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદ વરસ્યો હતો.









