- બારવફતના સરઘસમાં સામેલ પાંચ લોકોનું વીજ કરંટ લાગવાથી મોત
- આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા
- ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં રવિવારે સવારે નીકળેલા બારવફતના સરઘસમાં સામેલ પાંચ લોકોનું વીજ કરંટ લાગવાથી મોત થયા છે. આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બહરાઈચ જિલ્લાના નાનપારા વિસ્તારના ભગડવા માસુપુર ગામની છે.
મળતી માહિતી મુજબ, સરઘસની ગાડીમાં લોખંડનો સળિયો હાઈ ટેન્શન ઈલેક્ટ્રીક વાયર સાથે અથડાયો હતો. લોખંડનો સળિયો હાઈ ટેન્શન વાયર સાથે અથડાતા જ હાથગાડીમાં કરંટ નીચે આવ્યો હતો. સાત લોકો તેની ઝપેટમાં આવ્યા. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એકનું સારવાર માટે હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ યોગીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.









