સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જમીન તેમજ જંગલમાં કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાવવાની મુહીમ શરૂ કરાઈ છે, ત્યારે સાબરકાંઠાના વિજયનગરના ગોલવાડા ગામની 150 એકર જેટલી જમીનમાં કાચા દબાણો દૂર થાય એના પગલે વન વિભાગ દ્વારા કાચા દબાણને દૂર કરાયા છે. જોકે સ્થાનિક વનવાસી લોકોએ દબાણ મામલે વિરોધાભાસ દર્શાવી 35 વર્ષથી રહેતા હોવાનો દાવો કરી રાજ્ય સરકારથી ન્યાય ન મળે તો આવનારા સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
જંગલ માટેની જમીન ખાલી કરાવાઈ
સાબરકાંઠાના વનમાંથી વિસ્તારમાં આજે સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત એસઆરપી કેમ્પના જવાનોના બંદોબસ્ત વચ્ચે 150 એકર જેટલી જમીનમાં કેટલાય સમયથી થઈ રહેલા ગેરકાયદેસર દબાણો વન વિભાગ દ્વારા દૂર કરાયા હતા, જોકે સ્થાનિક અરજદારોનું માનીએ તો છેલ્લા 35 વર્ષથી તેઓ અહીં ખેતી કરતા હોવાનું જણાવી રહ્યા છે. તેમજ પોતાના વડવાઓના સમયથી જંગલમાં થઈ રહેલી ખેતીથી આવક મેળવી પોતાનું જીવન ગુજારી રહ્યા છે, ત્યારે આજે વિજયનગરના ગોલવાડા ગામે સ્થાનિક પોલીસ સહિત એસઆરપી કેમ્પના જવાનોના બંદોબસ્ત વચ્ચે વન વિભાગ દ્વારા કાચા દબાણનો દૂર કરી જંગલ માટેની જમીન ખાલી કરાવાઈ છે.
જેના પગલે સ્થાનિક વનવાસી લોકોમાં વહીવટી તંત્ર સામે રોષ ફેલાયો છે, તેમજ આવનારા સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત વહીવટી તંત્ર પાસે ન્યાયની માગ કરી પોતાની જમીન પાછી મેળવવા રજૂઆત કરી રહ્યા છે. જોકે આવનારા સમયમાં વન વિભાગ સહિત ગુજરાતના મુખ્યમંત્રી સામે રજૂઆત કર્યા બાદ પણ ન્યાય ન મળે તો સાબરકાંઠાના વિજયનગરથી વનવાસી લોકોનું આંદોલન ઉભું થશે તેમ જણાવી રહ્યા છે.









