કોલકાત્તાની સરકારી આરજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર પર રેપ અને હત્યાની ઘટના બાદ દેશભરમાં તબીબો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વડાપ્રધાન મોદીને પત્ર લખવામાં આવ્યો છે. IMAએ પત્રમાં તબીબોની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા.
એપિડેમિક ડિસીઝ એક્ટમાં 2020ના સુધારાને સામેલ કરવા માગ
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખવામાં આવેલ પત્રમાં કેટલીક માગણીઓ કરી હતી. જેમાં એપિડેમિક ડિસીઝ એક્ટમાં 2020ના સુધારાને સામેલ કરી કેન્દ્રીય કાયદો બનાવવાની માગ કરી હતી. તેમજ તમામ હોસ્પિટલોના સુરક્ષા પ્રોટોકોલ એરપોર્ટ જેવા બનાવવા માગ કરાઈ છે.
IMAએ પત્રમાં ડોક્ટરોની સુરક્ષાની માગ કરી
પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, હોસ્પિટલોને ફરજિયાત સુરક્ષા અધિકારો સાથે સલામત ઝોન જાહેર કરવા, હોસ્પિટલોમાં CCTV, સુરક્ષા કર્મચારીઓની તૈનાતી અને પ્રોટોકોલનું કડકપણે પાલન અને રેસિડેન્ટ ડોકટરોના કામકાજ અને રહેવાની સ્થિતિમાં ધરખમ ફેરફારો કરવાની માંગણી કરવામાં આવી છે.









