જામનગરમાં સરકારી પુસ્તકો પલળી જવાના પ્રકરણની હજુ શાહી સુકાઈ નથી, ત્યાં સરકારી શાળાઓમાં બીજું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું હોવા છતાં ધો.1 અને 2 ની સ્વાધ્યાપોથી હજુ ન આવતા અનેક સવાલ ઉઠ્યા છે.
નવાઈની વાત તો એ છે કે બીજું શૈક્ષણિક સત્ર શરૂ થયાના બે સપ્તાહ થવા છતાં જરૂરી પુસ્તકો ન આવ્યા હોય. ડીપીઈઓ સહિતના સંબધિત અધિકારીઓએ આ મુદે ઉચ્ચકક્ષાએ રજૂઆતની પણ તસ્દી ન લેતા આમાં કયાંથી ભણે જામનગર તે સવાલ ઉઠ્યો છે.
જામનગરમાં સ્થાનિક તંત્રની બેદરકારી
રાજ્ય સરકાર દ્વારા છેવાડાનો કોઈ પણ વિદ્યાર્થી તેનું ભણતર સારી રીતે કરી શકે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે. સરકારની અનેક યોજનાઓ, પુસ્તક, વિધાર્થીઓના ભણતરની શિષ્યવૃતિ (સહાય ગ્રાન્ટ) અને ખર્ચ કરતી હોય છે. પરંતુ સ્થાનિક તંત્રની કયાંક બેદરકારી અને ઢીલી નીતિને કારણે જામનગરની સરકારી શાળાના બાળકો પુસ્તકો વિના અભ્યાસ કરી રહ્યાં છે ત્યારે વહેલીતકે પુસ્તકો શાળામાં આવે તેની રાહ શાળાના વિધાર્થીઓ હાલ જોઈ રહ્યાં છે.
જામનગર શહેર-જિલ્લાની સરકારી શાળાઓમાં આવ્યા નથી પુસ્તકો
જામનગરમાં દરેડ તાલીમ ભવનમાં રાખવામાં આવેલા 8000થી વધુ સરકારી પુસ્તકો સમયસર વિતરણ ન થવાના કારણે પલળી જતાં નકામા બન્યા હતાં. આ પ્રકરણમાં કસૂરવારોને છાવરવા શૈક્ષણિક તંત્ર ઉંધા માથે થયું છે. બીજી બાજુ શૈક્ષણિક સત્ર શરૂ થવા છતાં જામનગર શહેર-જિલ્લાની સરકારી શાળાઓમાં ધો.1 અને 2 માં પ્રજ્ઞાએકમ સ્વાધ્યાયપોથી હજુ આવી નથી.
એક અઠવાડિયામાં આ પુસ્તકો આવી જશે : શિક્ષણાધિકારી
જામનગર તાલુકામાં માં ધો.6,7 અને 8નું સાહિત્ય આવ્યું છે પણ શાળાઓ સુધી પહોંચ્યું નથી. બીજી બાજુ જરૂરી પુસ્તકો ન આવતા સરકારી શાળાઓમાં છાત્રોનો અભ્યાસ બગડી રહ્યો છે. આમ છતાં સ્થાનિક શિક્ષણ વિભાગના અધિકારીઓ ગાંધારીની ભૂમિકા ભજવતા હોય એટલે કે આમાં કયાંથી ભણશે જામનગરના વિધાર્થીઓ તે સવાલ ઉઠ્યો છે. પરંતુ આ મામલે અધિકારી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે હાલ પુસ્તકો નથી એ સાચી વાત છે એક અઠવાડિયામાં તે આવી જશે અને વિતરણ પણ તાત્કાલિક કરવામાં આવશે.
વાલીઓમાં બાળકોના ભણતરને લઈ ચિંતા
જામનગર જિલ્લા પંચાયત હસ્તકની 663 અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની 44 શાળો આવેલી છે જેમાં 12000થી વધારે બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. એક બાજુ જામનગરમાં થોડા સમય પહેલા પુસ્તકો પલળ્યા હતા તેમાં તપાસ ચાલુ છે અને કસૂરવારોને છાવરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે ડીપીઈઓ અને અન્ય સંબધિત અધિકારીઓએ બીજું શૈક્ષણિક સત્ર શરૂ થયાને બે સપ્તાહ થવા છતાં પુસ્તકો ના આવતા વિધાર્થીઓના વાલીઓમાં બાળકોના ભણતરને લઈ ચિંતા વ્યાપી છે.









